- ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકોને ટાર્ગેટ કર્યા
- પ્રતિદિન સરેરાશ 2687 વાહનચાલકોને ચલણ ફટકારવામાં આવે છે
- ટ્રાફિક પોલીસની હાજરી છતાંયે વાહનચાલકો નિયમોનું પાલન કરતા નથી
સુરતઃ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 28 નવેમ્બર 2025થી 16 ડિસેમ્બર 2025 સુધીના 19 દિવસમાં ટ્રાફિક પોલીસે કુલ 51,068 કેસો નોંધી નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સરેરાશ 2687 વાહનચાલકોને ચલણ અપાયા છે.
સુરત શહેરમાં ઘણાબધા વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ હોવાને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. રૉંગ સાઈડમાં વાહન ચલાવવાની પ્રવૃત્તિ જીવલેણ સાબિત થતી હોય છે. રૉંગ સાઈડ ડ્રાઈવિંગને કારણે ગંભીર પ્રાણઘાતક અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, જેમાં મૃત્યુદર અને ગંભીર ઈજાઓ વધુ જોવા મળે છે. આ બાબતને ધ્યાને રાખીને પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) ના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક ડ્રાઈવને સફળ બનાવવા માટે નાયબ પોલીસ કમિશનર (ટ્રાફિક) સેક્ટર-1 અને 2, તેમજ તમામ ડિવિઝનના ACP અને તમામ સર્કલ PI દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે વિસ્તારોમાં રૉંગ સાઈડ વાહન ચલાવવાનું પ્રમાણ વધુ છે અને જ્યાં અકસ્માત થવાની સંભાવના વધુ છે, તેવા વિસ્તારોને ઓળખી કાઢી ત્યાં ખાસ વોચ રાખવામાં આવી હતી. માત્ર સ્થળ પર દંડ જ નહીં, પરંતુ ઇ-ચલણના માધ્યમથી પણ નિયમ તોડનારા ચાલકો સુધી પોલીસ પહોંચી છે.
શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોના કહેવા મુજબ તા. 16 ડિસેમ્બર 2025ના રોજ પોલીસે રૉંગ સાઈડ ડ્રાઈવિંગ, સિગ્નલ ભંગ અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 3,123 કેસો નોંધ્યા છે. 28 નવેમ્બરથી શરૂ થયેલી આ ડ્રાઈવનો કુલ આંકડો 51,068 પર પહોંચ્યો છે, જે પોલીસની સતર્કતા અને કામગીરીની તીવ્રતા દર્શાવે છે. શહેરની ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ટ્રાફિક સિગ્નલનું પાલન અનિવાર્ય છે. સિગ્નલ ભંગ કરનારા ચાલકોને કારણે ઘણીવાર ટ્રાફિક જામ અને અકસ્માતની સ્થિતિ સર્જાય છે. આ ડ્રાઈવ દરમિયાન સિગ્નલ તોડનારાઓ વિરૂદ્ધ પણ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે, આ ઝુંબેશ અહીં અટકશે નહીં. આગામી સમયમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન-ચાલકો વિરૂદ્ધ આ પ્રકારે જ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાનો નહીં, પરંતુ નાગરિકોમાં ટ્રાફિક શિસ્ત કેળવવાનો અને કિંમતી માનવ જિંદગીઓને અકસ્માતથી બચાવવાનો છે.


