સુરત, 27 ફેબ્રુઆરી 2026: All trains going from Surat to UP-Bihar are housefull હોળી-ધૂળેટીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના કારણે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. મોટાભાગની ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પગ મુકવાની પણ જગ્યા નથી. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી ભીડ જોવા મળી હતી. ટ્રેનોના જનરલ કોચમાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. લાખો લોકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે કોઈપણ ભોગે વતન પહોંચવા મથી રહ્યા છે.
સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો પરપ્રાંતના છે. ખાસ કરીને યુપી અને બિહારના શ્રમિકો વર્ષમાં બે વાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળી અને 6ઠ્ઠના તહેવારોમાં તેમજ હોળી અને ધૂળેટીના તહેવારોમાં માદરે વતન જતા હોય છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોને લીધે મોટાભાગના શ્રમિકો વતન જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો એકસાથે ઊધના સ્ટેશન પર પહોંચતા અવ્યવસ્થા ન સર્જાય તે માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આરપીએફ સહિત જવાનોને સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા હતા. તેમજ પ્રવાસીઓને પ્લેટફોર્મ પર પીવાના પાણી સહિતની સુવિધા આપવામાં આવી હતી.
રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, પેસેન્જરોનો ધસારો એટલો છે કે ટિકિટ મળવી અશક્ય બની ગઈ છે. જે લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળી, તેઓ ટ્રેન પકડવાની આશાએ 10થી 12 કલાક સુધી રેલવે સ્ટેશન પર ભૂખ્યા-તરસ્યા બેસી રહે છે. લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પણ ગૂંગળામણભર્યું બન્યું છે. ટ્રેનોમાં જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ દયનીય છે. ટ્રેનની અંદર પગ મૂકવાની જગ્યા ન હોવાથી મુસાફરો કોચના શૌચાલયની અંદર અને બહાર બેસીને યાત્રા કરવા મજબૂર બન્યા છે. ભયંકર ગીચતા અને દુર્ગંધ વચ્ચે પણ શ્રમિકો માત્ર વતન પહોંચવાના આશયથી આ અમાનવીય પરિસ્થિતિમાં મુસાફરી કરી રહ્યા છે.


