 
                                    દશેરાથી દિવાળી સુધીના તહેવારોમાં UPI મારફતે રૂ. 17.8 લાખ કરોડના વ્યવહાર નોંધાયાં
દશેરાથી દિવાળી સુધીના તહેવારોની સીઝનમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) મારફતે થયેલા ડિજિટલ ખર્ચમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન યુપીઆઇ મારફતે કુલ રૂ. 17.8 લાખ કરોડના વ્યવહારો નોંધાયા હતા, જે ગયા વર્ષના રૂ. 15.1 લાખ કરોડની સરખામણીએ વધારે છે. બેંક ઑફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ વ્યવહારોના મૂલ્યમાં મહિના-દર-મહિના (MoM) ધોરણે 2.6 ટકાનો વધારો નોંધાયો હતો.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ના આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં યુપીઆઇ મારફતે કુલ 19.63 અબજ વ્યવહારો થયા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 31%ની વૃદ્ધિ દર્શાવે છે. આ દરમિયાન વ્યવહારનું કુલ મૂલ્ય 21% વધીને રૂ. 24.90 લાખ કરોડ ઉપર પહોંચ્યું હતું. જે ઑગસ્ટના રૂ. 24.85 લાખ કરોડ કરતાં થોડું વધારે છે. તહેવારોની સિઝનમાં UPI, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફતે કુલ ચુકવણીનું મૂલ્ય રૂ. 18.8 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જે ગત વર્ષની સરખામણીએ વધારે છે. ગયા વર્ષે આ આંકડો રૂ. 16.4 કરોડ હતો.
રિપોર્ટ અનુસાર, GST 2.0 સુધારા અને માંગમાં વધારો ઉપભોક્તા ખર્ચમાં તેજી લાવ્યો છે. ડિજિટલ ચુકવણીઓમાં થયેલી વૃદ્ધિએ નિજ ખપત (Private Consumption)માં પુનર્જીવનના સંકેત આપ્યા છે. સરકારના અંદાજ મુજબ, GSTમાં ઘટાડાના કારણે ઉપભોક્તા ખર્ચમાં આશરે રૂ. 20 લાખ કરોડનો વધારો થઈ શકે છે.
તહેવારોમાં ડેબિટ કાર્ડ મારફતે ચુકવણીનું મૂલ્ય વધીને રૂ. 65,395 કરોડ થયું, જે ગયા વર્ષના રૂ. 27,566 કરોડ કરતાં દોઢગણું છે. બીજી તરફ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં થોડો સંયમ જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, નાના અને મધ્યમ આવક ધરાવતા વર્ગોમાં ઉપભોગની માંગમાં હજુ વૃદ્ધિ થવાની શક્યતા છે.
વેપારી સ્તરના યુપીઆઇ આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર મહિનામાં કપડાં, દારૂ, ઑનલાઇન માર્કેટપ્લેસ, ઇલેક્ટ્રોનિક્સ, બ્યુટી અને સેલૂન કેટેગરીમાં સરેરાશ વ્યવહાર મૂલ્યમાં 50%થી વધુ વધારો નોંધાયો હતો. બેંકે અનુમાન લગાવ્યું છે કે, નિજ ઉપભોગ માંગ બીજી ત્રિમાસિક (Q2)માં મજબૂત રહી હતી અને ત્રીજી ત્રિમાસિક (Q3)માં પણ આ ગતિ યથાવત્ રહેશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

