
- હપતો માંગનારો જવાન રાહુલ રાજપૂત ભાગી ગયો,
- ટેમ્પોચાલકે અમદાવાદ ACBમાં ફરિયાદ કરી હતી,
- રિજિયન-3નો વહીવટદાર હોવાનું કહી ટેમ્પાચાલકો પાસે મહિને હપતો નક્કી કરાયો હતો
સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ટીઆરબી જવાન ટેમ્પાચાલક પાસે માસિક હપતાના રૂપિયા 15000ની લાંચ લેવા આવતા એસીબીએ ઝડપી લીધો હતો. જ્યારે હપતા માગવાનો વહિવટ કરનારો અન્ય ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત ભાગી ગયો હતો. એસીબીની ટ્રેપ સફળ થતા શહેરના ટ્રાફિક પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, શુરત શહેરમાં ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક પોલીસના ટીઆરબી જવાન રાહુલ રાજપુત ટ્રાફિક પોલીસના રિજિયન-3ના વહીવટદાર હોવાની વાત કરી ટેમ્પાચાલકો પાસેથી મહિને હપતો નક્કી કરતો હતો. મહિને હપતો આપવાથી રિજીયન-3માંથી પસાર થતા કાપડના ટેમ્પો ચાલકને હેરાનગતિ ન કરવા સુધીની વહીવટદારે વાત કરી હતી.આથી ટેમ્પોચાલકે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીના સ્ટાફે સુરતના ડિંડોલી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે સાંઇ પોઇન્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન વહીવટદાર ટીઆરબીનો જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત વતી અન્ય TRB જવાન ધર્મેશ સારા ભરવાડ 15 હજારની લાંચની રકમ લેવા આવતા એસીબીના છટકામાં પકડાયો હતો. એસીબીના સ્ટાફ તરીકે ઓળખ આપતા ટીઆરબી જવાને ભાગવાની પણ કોશિશ કરી હતી.
સુરત એસીબીની કચેરીમાં વહીવટદાર ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત અને ધર્મેશ સારા ભરવાડ સામે લાંચનો ગુનો નોંધ્યો છે. બંને ટીઆરબી જવાનો છેલ્લા 8 વર્ષથી ફરજ બજાવતા હતા. ટીઆરબી જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂત પાંડેસરામાં પોઇન્ટ પર ડ્યૂટી પર હતો. જો કે તેને દવાખાનાનું કામ આવ્યું હોવાથી તે ડ્યૂટી પરથી બહાર ગયો હતો.દરમિયાન ટેમ્પોચાલકે લાંચની રકમ લેવા વાત કરતા તેણે અન્ય ટીઆરબી જવાન ધર્મેશ ભરવાડને આપી દેવાની વાત કરી હતી. આથી ટેમ્પોચાલકે ધર્મેશને 15 હજારની રકમ આપી ફોન પર પિયુષ રાજપૂત સાથે વાત કરાવી દીધી હતી.
ટ્રાફિક પોલીસના રિજીયન-3ના વહીવટદાર હોવાની વાત કરી ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલ રાજપૂતે કાપડના ટેમ્પો ચાલક અને તેના ગૃપના 30 વાહનોને રિજીયન-3માંથી પસાર થાય ત્યારે ખોટી રીતે હેરાન ન કરવા માટે મહિને હપતો આપવાની વાત કરી હતી જેમાં મોટા ટેમ્પોના રૂપિયા એક હજાર અને થી વ્હીલ ટેમ્પોના 700 રૂપિયા નક્કી કર્યા હતા. મહિને હપતો ઓછો કરવા માટે ટેમ્પોચાલકો સાથે ટીઆરબીના જવાન પિયુષ ઉર્ફે રાહુલની રકઝક થઈ હતી. જેમાં છેવટે વાહન દીઠ 500 રૂપિયા નક્કી કર્યા હતા.