
ટ્રમ્પ સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ઉપર ભારતની સરખામણીએ લગાવ્યો ઓછો ટેરિફ
નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત ઉપર 25 ટકા ટેરિફની બે દિવસ પહેલા જ જાહેરાત કરી છે. જો કે, ટ્રમ્પ દ્વારા ભારતના પડોશી દેશોને ટેરિફમાં મોટી રાહત આપી હોય તેમ તેમની ઉપર ભારતની સરખામણીએ ઓછો ટેરિફ લગાવ્યો છે. અમેરિકાએ પાકિસ્તાન ઉપર 19 ટકા અને બાંગ્લાદેશ ઉપર 20 ટકા ટેરિફ લગાવ્યો છે.
જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર આવ્યા છે, ત્યારથી તેઓ ટેરિફ પ્રત્યે કડક વલણ અપનાવી રહ્યા છે. આ કારણે ટ્રમ્પે ફરી એકવાર 92 દેશો પર ટેરિફ લાદ્યા છે. ટ્રમ્પના ટેરિફથી સીરિયા સૌથી વધુ પ્રભાવિત થયું છે. સીરિયા પર 41% ટેરિફ લાદવામાં આવ્યો છે. જ્યારે ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો છે. બીજી તરફ, ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પર 20% અને અફઘાનિસ્તાન પર 15% ટેરિફ લાદવામાં આવ્યો છે. જો આપણે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન પર નજર કરીએ તો, ભારત કરતા તેના પર ઓછો ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાએ પાકિસ્તાન પર 19% દર લાદ્યો છે. જોકે, જ્યારે ટ્રમ્પે એપ્રિલ મહિનામાં ટેરિફની જાહેરાત કરી હતી, ત્યારે પાકિસ્તાન પર 29% ટેરિફ લાદવામાં આવ્યો હતો. જેમાં હવે 10 ટકાની રાહત આપવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા સીરિયા પર 41 ટકા, લાઓસ પર 40 ટકા, મ્યાનમાર પર 40 ટકા, સ્વિટ્ઝર્લૅન્ડ પર 39 ટકા, ઈરાન-સર્બિયા પર 35 ટકા લગાવ્યો છે.
વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે અમેરિકામાં આવતા માલ પર “યુનિવર્સલ” ટેરિફ 10% પર રહેશે, જે 2 એપ્રિલના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ 10% દર ફક્ત તે દેશો પર લાગુ થશે જેમની સાથે અમેરિકાનો વેપાર સરપ્લસ છે – એવા દેશો જ્યાં અમેરિકા તેની આયાત કરતાં વધુ નિકાસ કરે છે. 15% દર હવે એવા દેશો માટે નવી ટેરિફ થ્રેશોલ્ડ હશે જેમની સાથે અમેરિકાનો વેપાર ખાધ છે. લગભગ 40 દેશો નવા 15% ટેરિફ ચૂકવશે. એક ડઝનથી વધુ દેશોમાં ટેરિફ દર 15% થી વધુ છે.