
- 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલનું ગૃહને સંબોધન,
- ગુજરાતના ગત બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છેઃ રાજ્યપાલ
- રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપ તૈયાર કર્યો છે
ગાંધીનગરઃ ‘ગુજરાત’ શબ્દ સાંભળતાં જ આપણા માનસપટ પર વિકાસનો નકશો ઊભરી આવે છે. ગુજરાતના ઇતિહાસમાં પાછલા અઢી દાયકાનો શાસનકાળ ગુજરાતના સુવર્ણયુગ સ્વરૂપે લોકહૃદયમાં અંકિત છે. 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રના મંગલ પ્રારંભે રાજ્યપાલ દેવવ્રતજીએ વિધાનસભા ગૃહને સંબોધતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારના પાછલા બે વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના રહ્યા છે. વિકાસની તમામ યોજનાઓમાં GYAN – ગરીબ, યુવા, અન્નદાતા-ખેડૂત અને નારીશક્તિ કેન્દ્રસ્થાને રહ્યા છે. ગુજરાતે પાછલા ત્રણ વર્ષોમાં વિવિધ 12 પૉલિસીઓનો અસરકારક અમલ કરીને ‘પૉલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકેની છબી વધુ મજબૂત કરી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વિકસિત ભારત’ માટે ‘વિકસિત ગુજરાત’ના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ- રોડમેપ તૈયાર કર્યો છે. ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવનધોરણ સુગમ અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આ લક્ષ્ય સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટે તેમજ લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડવા માટેની ‘થિન્ક ટેન્ક’ તરીકે ગુજરાત રાજ્ય દ્વારા ઈન્સ્ટિટ્યુશન કોર ટ્રાન્સ્ફોર્મેશન – ગ્રીટની સ્થાપના કરવામાં આવી છે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રો-એક્ટિવ પૉલિસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ‘ડેસ્ટિનેશન ઓફ ફર્સ્ટ ચોઈસ’ બન્યું છે. પૉલિસી ડ્રિવન અને સેક્ટર સ્પેસિફિક પૉલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ-વિદેશના ઉદ્યોગકારો માટે ‘બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ’ બનવા પાછળ ગુજરાત સરકારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહિત કરતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા કાર્યક્રમોની શૃંખલાનો સિંહફાળો છે. છેલ્લા બે દાયકામાં ઔદ્યોગિક વિકાસ સહિત દરેક ક્ષેત્રમાં કરેલી પ્રગતિના કારણે ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે.
રાજ્યની ઔદ્યોગિક પ્રગતિના સીમાચિન્હ રૂપ ધોલેરા ‘પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી’ બનવાનું છે. રાજય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યૂફેક્યરિંગ માટે ધોલેરામાં ‘પ્લગ એન્ડ પ્લે’ સુવિધા વિકસાવી છે. એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટૅકનોલૉજીની વાત આવે ત્યારે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’માં ગુજરાતના પ્રદાનને યાદ કરવું જ પડે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ‘ગુજરાત સેમિકન્ડકટર પોલિસી 2022-27 જાહેર કરી છે. દેશભરનાં રાજ્યોમાં સૌપ્રથમ સેમિકન્ડક્ટર પૉલિસી ગુજરાતે અમલી બનાવી છે. ટૂંકાગાળામાં ભારતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વના દેશોનું ધ્યાન ખેચ્યું છે. ગુજરાતે પૉલિસી જાહેર કર્યા બાદ માઈક્રોન જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ પણ ગુજરાત સરકારના પ્રયાસોમા સહભાગી થઈ છે.
ગુજરાતે દેશમાં સૌપ્રથમ વર્ષ 2009માં ‘સોલાર પૉલિસી’ જાહેર કરી ને સોલાર ઉર્જાના વ્યવસાયિક ઉપયોગ માટે પ્રોત્સાહન આપી તેના વિકાસમાં નવીન માર્ગ કંડાર્યો છે. રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન તેમજ માળખાકીય અને કાયદાકીય ફ્રેમવર્ક થકી ગુજરાતે ડિસેમ્બર 2024ની સ્થિતિએ 16,795 મે.વો. કુલ સ્થાપિત ક્ષમતા પ્રાપ્ત કરી છે.
રાજ્યપાલ એ કહ્યું હતું કે, રાજયએ સોલાર ઉર્જાના જન સાધારણ ઉપયોગ તેમજ વ્યાપ માટે રૂફટોપ સોલારને પણ સતત પ્રોત્સાહન આપી કુલ 4822 મે.વો. સ્થાપિત ક્ષમતા સાથે દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં રહેલી પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિશાળ સંભાવના, મજબૂત પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પરિપક્વ એલ.એન.જી. પાઇપલાઇન નેટવર્ક સાથે, ગુજરાત દેશમાં ગ્રીન હાઇડ્રોજનનું હબ બનવા માટે તૈયાર છે. આ માટે ગુજરાત સરકાર દ્વારા 30 લાખ મેટ્રીક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કલ્યાણકારી યોજનાઓની પ્રગતિની વિગતવાર માહિતી આપી હતી.