
સંબલપુરી ભાષામાં હલધરની લેખન શૈલીની તુલના મહાન સાહિત્યકાર ગંગાધર મહેર સાથે કરવામાં આવે છે
ઓરિસ્સાના ગરીબ નાગ પરિવારમાં જન્મેલા ‘લોક કવિરત્ન’ હલધરની કહાની
દરેકે દરેક સર્જન પાછળ એક અદભુત કહાની પડેલી હોય છે. સર્જક જનમતો નથી, સર્જક તો ક્રમશઃ ઘડાતો હોય છે. અનુભૂતિની એરણ ઉપર ટીપાઇને સંવેદનાના સોળ ઉઠે ત્યારે સર્જક ધડાય છે. અને આનંદની અટારીએ આંટા મારવામાં આવે અને મોજના મહાસાગરમાં ગોથા ખાવામાં આવે ત્યારે સર્જક ઘડાતો હોય છે. સર્જક બિચારો, બાપડો, પ્રેમમાં પછડાટ પામેલો કે દયામણો ક્યારેય ન હોય. સર્જક તો સત્વશીલ હોય. સર્જક ઉર્જાવાન, દમદાર અને જાનદાર હોય. એના શબ્દો શાનદાર હોય.
સર્જક તમામ ક્ષેત્રે જોવા મળે. કલા હોય કે શિલ્પ સ્થાપત્ય, વિજ્ઞાન હોય કે ઉત્ખનન, શિક્ષણ હોય કે સાહિત્ય દરેક ક્ષેત્રમાં સર્જનશીલતાનો અવકાશ રહેલો છે. પ્રત્યેક ક્ષેત્રમાં સર્જકોનો સપાટો હોય છે. સાહિત્ય ક્ષેત્રની વાતમાં સર્જનપ્રક્રિયાના કેન્દ્રમાં કલ્પનાનું વિશ્વ હોય છે. કલ્પનની નાભિમાંથી એક કુમળો છોડ અંકુરિત થાય અને પછી એ વિકસે. કલ્પન સર્જકની પોતાની મૂડી છે. સર્જકના માનસપટ ઉપર પેદા થયેલી કલ્પનની અભિવ્યક્તિ તાજગીસભર ઉષાકિરણ બની જતી હોય છે.
અનુભૂતિની અભિવ્યક્તિમાં જે અંગડાઈ સાથે આનંદ સંમિલિત કરવાનો પ્રયાસ હોય છે એનું પગરણ કલ્પનાના બીજથી મંડાતુ હોય છે. ઇતિહાસ સાક્ષી છે કે, સહજતાથી સ્ફુરેલા કલ્પનો ઉત્તમ સર્જન બની જતા હોય છે. સર્જન કરવા માટે બહુ મોટું આઈક્યુ કે તીસમારખાં બનવાનું જરૂરી ક્યારેય નથી હોતું. ઓછું ભણેલો કે અભણ વ્યક્તિ પણ ક્રિએટિવ હોઈ શકે છે. કરોડો લોકોના હૃદય ઉપર રાજ કરનારા બોલીવુડ સ્ટાર કલાકાર રાજકપૂર ધોરણ ૧૨ નાપાસ હતા. વિશ્વપ્રસિદ્ધ બાસુરીવાદક બિસ્મિલ્લા ખાન પણ બહુ નહોતા ભણેલા. સંગીતકાર નૌસાદ, નિર્દેશક મહેબુબ ખાન, મકબુલ ફીદા હુસેન, સચિન તેંડુલકર વગેરે વિવિધ ક્ષેત્રોના મહાન સર્જકોનું પણ શાળા જીવન ક્યાં જોરદાર હતું ? પરંતુ એમની સર્જનશીલતામાં એમનું ભણતર તેમને ક્યારેય અંતરાયરૂપ બન્યું નથી.
આ વાતને પુષ્ટિ આપતી ઓરિસ્સાના બરગઢ જિલ્લાના ઘેંસ ગામના એક સર્જકની અદભુત કહાની યાદ આવે છે. આ કહાની છે ઘેંસ ગામમાં વર્ષ ૧૯૫૦માં એક ગરીબ નાગ પરિવારમાં જન્મેલા હલધરની. હલધર માત્ર દસ વર્ષનો હતો ત્યારે એના પિતાનો સ્વર્ગવાસ થયો. પરિવાર ઉપર આર્થિક સંકટોનો પહાડ તૂટી પડ્યો. પિતાના મૃત્યુ પછી હલધરે ત્રીજા ધોરણ બાદ એનો અભ્યાસ પડતો મુક્યો. પરિવારના ગુજરાન માટે બાળ હલધરે સ્વીટ માર્ટમાં વાસણો ધોવાનું કામ શરૂ કર્યું. એટલામાં ગામના સરપંચની સહાયથી હલધરને એક શાળામાં રસોઈયા તરીકે પણ નોકરી મળી ગઈ. હલધરે રસોઈયા તરીકે સોળ વર્ષ સુધી કામ કર્યું. એ પછી હલઘરને લાગ્યું કે, એના ગામની આસપાસ ઘણી બધી શાળાઓ ખુલી રહી છે એટલે એણે એક બેંકનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી અને નાની મોટી ચોકલેટ – બિસ્કિટ જેવી ખાવાની વસ્તુઓની એક દુકાન શરૂ કરી.

૧૯૯૦માં હલધરે ‘ધોડો બારગચ’ અર્થાત પુરાણું વડનું વૃક્ષ નામે પહેલી કવિતા લખી. હલધરની આ કવિતાને એક સ્થાનિક અખબારમાં સ્થાન આપવામાં આવ્યું એ પછી હલધરની તમામ કવિતાઓ અખબારના પાને પ્રસિદ્ધ થવા લાગી. હલધરને આજુબાજુના ગામના લોકો કાવ્ય પઠન માટે પણ બોલાવવા લાગ્યા. લોકોમાં હલધરની કવિતાઓ ધીમે ધીમે ખૂબ પ્રચલિત થવા લાગી હતી. હવે બધા હલધરને ‘લોક કવિરત્ન’થી બોલાવવા લાગ્યા હતા.
ઓરિસ્સામાં લોકોના હૃદયમાં વસી ચૂકેલા કવિરાજ હલધરને વર્ષ ૨૦૧૬માં ભારતના રાષ્ટ્રપતિએ પદ્મશ્રીથી સન્માનિત કર્યા. વર્ષ ૨૦૨૦માં પોંડીચેરી વિશ્વવિદ્યાલયના હિન્દી વિભાગના અધ્યક્ષ જયશંકર બાબુ અને કુલપતિ ગુરમીતસિંહજીએ આંતરરાષ્ટ્રીય સંઘોષ્ઠીનું આયોજન કર્યું હતું. એમાં ‘હલધર નાગ કા કાવ્ય સંસાર’ પુસ્તકનું પ્રસિદ્ધ લેખક દિનેશ કુમારે વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં હલધર નાગે સંબલપુરી ભાષામાં લખેલી કવિતાઓનો હિન્દી અનુવાદ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. હલધર નાગ દ્વારા રચિત રામાયણ પ્રસંગો ઉપર આધારિત કાવ્યો અને વિમર્શનુ પુસ્તક પણ ખૂબ લોકપ્રિય બન્યું હતું. આજે તો હલધર નાગના લેખન સંગ્રહ ‘હલધર ગ્રંથાવલી-૨ સંબલપુર વિશ્વવિદ્યાલયના પાઠ્યક્રમમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.
આ સર્જકની વિશેષતા એ પણ છે કે એમણે આજ દિન પર્યંત લખેલા ૨૦ મહાકાવ્ય સિવાય તમામ કવિતાઓ કંઠસ્થ છે. એ જે કાંઇ પણ લખે છે એ બરાબર મગજમાં યાદ કરી લે છે. કોઇ પણ કવિતાનુ શીર્ષક કે વિષય કહીએ તો હલધરજી એ તરત સંભાળાવે છે. સૌથી મોટી ખુબી તો એ છે કે, એમને એમણે લખેલો પ્રત્યેક શબ્દ મોઢે યાદ છે. સંબલપુરી ભાષામાં હલધરની લેખન શૈલીની તુલના મહાન સાહિત્યકાર ગંગાધર મહેરથી કરવામાં આવે છે. બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપનીએ હલધરના કલ્પન અને અભિવ્યક્તિની વિશેષતાને વણી લેતી ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું છે. હલધરના સર્જનોમાં એક વીર યોદ્ધા અને માનવીય ગરિમાની રક્ષાના માધ્યમથી સામાજિક સુરક્ષાના વિષયો કેન્દ્ર સ્થાને જોવા મળે છે.
તદ્દન સાધુ જીવન અને સરળતા કોસલી ભાષામાં લખતા ૭૧ વર્ષીય પ્રસિધ્ધ કવિ હલધર નાગની વિશેષતા છે. તેઓ ધોતી અને બનિયાન જ પહેરે છે. અને હા, પગમાં પગરખા પણ એ નથી પહેરતા. આ સર્જક આટલું બધું નામ અને પ્રસિધ્ધિ મળ્યા પછી પણ અત્યંત સાદગીથી જીવન જીવી રહ્યા છે. એમના પગ સદાય ધરતી ઊપર રહે છે. એમના સર્જન વિવિધ ભાષાઓમાં અનુવાદીત થયા છે.
હલધર નાગ જેવા સર્જકોએ ફરી એકવાર સિદ્ધ કરી બતાવ્યું છે કે, સર્જનશીલતા પૈસા, સવલતો કે સત્તાની મોહતાજ ક્યારેય નહતી કે છે. સામાન્ય વ્યક્તિ પણ એની કલ્પનાશક્તિ અને પરિશ્રમથી પ્રતિભા બનાવી શકે છે. હલધરના સર્જનના મુખ્ય વિષયો માનવીય મૂલ્યોની રક્ષા, સમાનતા, લડાયકતા અને સામાજિક ચેતના રહ્યા છે. પદ્મશ્રી હલધર નાગનુ જીવન અને સાહિત્યસર્જને ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ અને લોકસાહિત્યને વૈશ્વિક ઓળખ આપી છે. લોક કવિરત્ન પદ્મશ્રી હલધર નાગ આજે લાખો કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે.
આજના યુગમાં શહેરોમાં વસીને પોતાને આધુનિક કહેવડાવવામાં ગૌરવ અનુભવનારાઓ હકીકતમાં તો કુદરતથી જોજનો દૂર થતા જાય છે. શહેર હોય કે ગામ, ભણેલા હોય કે અભણ સર્જનશક્તિને સ્થળ, પ્રદેશ કે સવલત સાથે સંબંધ નથી હોતો. હલધર નાગ જેવા સર્જકોના દાખલા ચિલ્લાઈ ચિલ્લાઈને કહે છે કે, મૌલિક કલ્પન લોકોના હૃદયમાં હંમેશા વસવાનું જ છે…