
- એક જ પરિવારના માસુમ ભાઈ-બહેન રમતા રમતા કૂવામાં ખાબક્યા
- બન્ને બાળકોના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયા
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચુડા પાસે બે બાળકો રમતા રમતા કૂવામાં પડી જતાં બન્નેના મોત નીપજતા ગામમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બાળકોની શોધખોળ કરતા બન્ને બાળકોના મૃતદેહ ગામની સીમના કૂવામાંથી મળી આવ્યા હતા. બંને ભાઈ-બહેન મટુમાના મંદિર પાસેથી રમતાં-રમતાં નીકળી ગયા હતા. પરિવારજનોએ શોધખોળ કરતા બંનેના મૃતદેહ નજીકના ભાડિયા કૂવામાંથી મળી આવ્યા હતા. આ બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રમતા-રમતા કૂવામાં પડી જવાથી મોત નીપજ્યાનું અનુમાન છે.
આ બનાવની વિગતો એવી છે કે, ચુડા નદીકાંઠે મટુમાના મંદિર પાસે રહેતા પ્રતાપ કાવેઠીયાના પુત્ર અને પુત્રી રમતાં રમતાં કૂવામાં પડી જતા મોતને ભેટ્યા હતા. વિચરતી અને વિમુક્ત જાતિના દેવીપૂજક પરિવારોના બાળકો કૃણાલ કાવેઠીયા (ઉં.વ.8) અને રોશની કાવેઠીયા (ઉં.વ.5)નું કુવામાં પડી જતાં મોત થયું હોવાનું અનુમાન છે. જેમાં અકાળે મોતને ભેટનાર બંને બાળકો ચુડા વિજયનગર મટુમાના મંદિર પાસેથી રમતાં રમતાં ક્યાંક નીકળી ગયા હતા. ત્યારે તેમના પરિવારના લોકો તથા અન્ય ઉપસ્થિત લોકોને બાજુમાં આવેલા ભાડીયા કુવામાં પડી ગયા હોવાની શંકા જતાં આ બાબતે શોધખોળ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં ચુડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ચુડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ચુડાના દેવીપૂજક પરિવારના જ ભાઈ અને બહેન એમ બે બાળકોના મોતથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ચુડા પોલીસ દોડી આવી હતી અને બંને મૃતક બાળકોના મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહો ચુડા સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવી હતી. ત્યારે ચુડા પોલીસે બાળકોના શંકાસ્પદ મોત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.