
નવી દિલ્હીઃ મણિપુરમાં, એક CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પછી પોતાને ગોળી મારી લીધી હતી. આ ગોળીબારમાં બે સૈનિકોના અવસાન થયા છે જ્યારે 8 જવાન ઘાયલ થયા હતા. આ ઘટના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફાલ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી.
અહેવાલ મુજબ, 120મી બટાલિયનના હવાલદાર સંજય કુમારે પોતાની સર્વિસ ગનમાંથી ગોળીબાર કર્યો હતો, જેમાં એક કોન્સ્ટેબલ અને એક સબ-ઇન્સ્પેક્ટરનું મોત થયું હતું જે બાદ તેણે પોતાને ગોળી મારી દીધી હતી. ગોળીબારમાં આઠ સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઇમ્ફાલ સ્થિત રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS)માં લઈ જવામાં આવ્યા હતા. સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ કેમ્પમાં પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સૈનિકે ગોળીબાર કેમ કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. CRPF એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. મણિપુર પોલીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં એક CRPF કેમ્પની અંદર ગોળીબારનો મામલો સામે આવ્યો છે, જેમાં બે CRPF જવાનો શહીદ થયા છે અને આઠ ઘાયલ થયા છે.”
ગયા વર્ષે ઓક્ટોબરમાં, અમેઠીમાં CRPF કેમ્પમાં એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. તે આસામનો રહેવાસી હતો અને ત્રિસુંડીમાં CRPF કેમ્પમાં પોસ્ટેડ હતો. આ વર્ષની શરૂઆતમાં, પટનાના આશિયાના વિસ્તારમાં CRPF કેમ્પમાં તૈનાત એક જવાને INSAS રાઇફલથી પોતાને ગોળી મારી લીધી હતી. તે બિહારના છાપરા જિલ્લાનો રહેવાસી હતો.