
- બોચાસણથી સાળંગપુર જતી કારમાં 7 લોકો સવાર હતા,
- BAPSના નવદીક્ષિત સંત હજુ પણ લાપતા,
- NDRFની ટીમે શોધખોળ આદરી
બોટાદઃ જિલ્લામાં ભારે વરસાદને લીધે નદી-નાળાં અને કોઝવે પરથી પાણી વહી રહ્યા છે. ત્યારે રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે સાળંગપુર જઈ રહેલી અર્ટિગા કાર કોઝવેના તેજ પ્રવાહમાં તણાતા કારમાં પ્રવાસ કરી રહેલા 7 જણા ડૂબવા લાગ્યા હતા. જેમાં બે હરિભક્તોના મોત નિપજ્યા છે. જ્યારે ચાર પ્રવાસીઓને બચાવી લેવાયા છે. અને એક બીએપીએસના સંત પાણીના તેજ પ્રવાહમાં તણાયા હોવાથી લાપત્તા છે. એનડીઆરએફની ટીમ દ્વારા લાપત્તા બનેલા સંતની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતાં સાળંગપુરથી બીએપીએસ સંસ્થાના સંતો તેમજ પ્રાંત સહિત અધિકારીઓ દોડી ગયા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, બોચાસણથી અર્ટિગા કારમાં એક સંત સાથે હરિભક્તો સાળંગપુર આવી રહ્યા હતા. ત્યારે મોડી રાતે રાણપુરના ગોધાવટા ગામ પાસે કોઝવેમાં કાર નાંખતા તેજ પ્રવાહને લીધે કાર પલટી ખાઈને તણાવા લાગી હતી. જેમાં ચાર જણા કારનો દરવાજો ખોલીને ત્વરિત રીતે બહાર આવી જતા બચી ગયા હતા. જ્યારે એક સંત સહિત બે હરિભક્તો તણાયા હતા, કોઝવેના કાંઠે આવી ગયેલા ચારેય જણાએ કારમાં તણાયેલા સંત સહિત ત્રણને બચાવવા માટે બુમાબુમ કરી હતી. પણ રાતનો સમય હોવાથી કોઈ મદદ ત્વરિત મળી મદદ મળી શકી નહતી, દરમિયાન આ બનાવની જાણ થતાં સાળંગપુર મંદિરના સંતો અને અધિકારીઓ દોડી ગયા હતા. કોઝવેના પાણીમાં શોધખોળ દરમિયાન બે હરિભક્તના મૃતદેહ મળી આવ્યા હતા. તેમના નામ કૃષ્ણકાંત પંડ્યા (ઉ.વ. 60 ) અને પ્રબુદ્ધ કાસીયા (ઉ.વ.10 ) હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે બરવાળાના પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, એક અર્ટિકા કાર કે જેની અંદર સાત લોકો સવાર હતા. તેઓ ગોધાવટાના કોઝવે આગળ કે જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે. તેને પાર કરવાની કોશિશ કરતાં કાર તણાઇ હતી. જેમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે તણાતાં ફસાઇ ગયા હતા. જેમાંથી બે લોકોની લાશ મળી છે. તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જ્યારે એક વ્યક્તિ હજુ લાપતા છે. તેના માટે NDRFની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા એક કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પણ સામેલ હતા. આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે 10 વર્ષના પ્રબુદ્ધ કાસીયા નામના બે વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, શાંત ચરિત સ્વામી હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે મોટા પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. NDRFની ટીમ અત્યાધુનિક સાધનો અને કુશળ માનવબળ સાથે લાપતા સ્વામીને શોધવા માટે પાણીના પ્રવાહમાં સઘન કામગીરી કરી રહી છે