1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત
સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

સાંચોર-થરાદ હાઈવે પર પૂર ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બેનાં મોત

0
Social Share

પાલનપુર, 8 ફેબ્રુઆરી 2026,  થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ વ્યક્તિઓ રોડ પર પટકાયા હતા. જેમાં પિલુડા ગામની બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકોના નામ નાગજીભાઇ સામાજી વજીર અને પટેલ ભાણજીભાઈ કેશરાભાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  પિલુડા ગામની ત્રણ વ્યક્તિ રાત્રિના સમયે એક બાઇક પર સવાર થઈને માતાજીના પ્રસંગમાં જઈ રહી હતી. આ દરમિયાન સાંચોર-થરાદ હાઇવેના સર્વિસ રોડ પર પાછળથી આવતી એક કારના ચાલકે ગફલતભરી રીતે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇકસવાર ત્રણેય વ્યક્તિ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યો છે, જેના કારણે પિલુડા ગામમાં માતમ છવાઈ ગયો છે. મૃતક ભાણજીભાઈ તેમનાં માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. તેમના નિધનથી વૃદ્ધ માતા-પિતાનો એકમાત્ર સહારો છીનવાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અકસ્માતમાં નાગજીભાઈનું પણ કરુણ મોત થયું છે. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે. ઘરના મોભીના જવાથી બાળકો નોધારા બન્યાં છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે બાઇક પર સવાર અન્ય એક યુવક, પટેલ દિનેશભાઈ નાગજીભાઈને આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code