રાજકોટ, 03 માર્ચ 2026: Two killed as trailer overturns on road after being hit by bus રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જેતપુરના નવાગઢ પાસે હાઈવે પર સર્જાયો હતો. બસએ ટ્રેલરને ટક્કર મારતા ટ્રેલર રોડ સાઈડ પર ઉતરી જતા રોડ સાઈડ પર ઊભેલા રાહદારી તેમજ એક બાઈકચાલકના મોત નિપજ્યા હતા. આ બનાવથી ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જેતપુરના નવાગઢ નજીક બસ અને માછલી ભરેલા ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થતાં ટ્રેલર રોડની નીચે ખાબક્યું હતું. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા એક નિર્દોષ બાઈક ચાલક તેમજ ત્યાં ઉભેલા એક વ્યક્તિ ટ્રેલર નીચે કચડાઈ જતા બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના અંગો શરીરથી અલગ પડી ગયા હતા. મૃતકોની ઓળખ ભાભલુભાઈ વાસુરભાઈ લાલુ (ઉ.વ. 45, સરધારપુર – જેતપુર) અને કરણ નિલેશભાઈ દાણીધારીયા (ઉ.વ. 22, ગોંડલ) તરીકે થઈ છે. અકસ્માતનો ભોગ બનેલો ગોંડલનો યુવાન કરણ પોતાની ભાણેજની ‘હોળીની વાડ’નો પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. અગાઉ પિતાને ગુમાવી ચૂકેલા પરિવારમાં હવે એકમાત્ર ભાઈના મોતથી બે બહેનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આ અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.


