1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટિલા અને લખતર પાસે અકસ્માતના બનાવોમાં બેના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટિલા અને લખતર પાસે અકસ્માતના બનાવોમાં બેના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટિલા અને લખતર પાસે અકસ્માતના બનાવોમાં બેના મોત

0
Social Share
  • ચોટિલા પાસે બે ટ્રક, બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
  • કારમાં ફસાયેલા 4 લોકોને જેસીબીથી બહાર કઢાયા
  • લખતર નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર સહિત બેના મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતના વધુ બે બનાવો બન્યો છે. પ્રથમ અકસ્માતનો બનાવ લખતર-વિરમગામ હાઈવે પર રોંગ સાઇડ આવતી ટ્રકે બાઇકને ફંગોળતા બાઈકસવાર બે લોકોના મોત થયા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ચોટીલા-રાજકોટ હાઇવે પર નાની મોલડી પાસે બે ટ્રક, બસ અને વેગેનાર કાર અથડાયા હતા. કારમાં ફસાયેલા ત્રણથી ચાર લોકોને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવા પડ્યા હતા. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનિ થઈ નહતી.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ભાસ્કરપરા ગામનો 17 વર્ષીય મહેશ (માયાભાઇ) લોરીયા અને 30 વર્ષીય કિશનભાઇ રેથલીયા બાઈક પર સવાર થઈને સંબંધીને ત્યા લગ્ન પ્રસંગમાં જવા વિઠ્ઠલાપરાથી રામછાપરી તરફ જઈ રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે હાઈવે પર રોંગ સાઈડમાંથી પૂરપાટ ઝડપે ધસી આવેલી એક આઈસર ટ્રકના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકના તોતિંગ ટાયર બાઈક સવાર યુવાનો પર ફરી વળ્યા હતા. જેના પરિણામે બંને યુવાનોને કોઈ પણ પ્રકારની તબીબી સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે તેમના કરુણ મોત નિપજ્યા હતા.

આ અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર આઈસર ટ્રક પણ પલટી ગઇ હતી. ટ્રક ઘટનાસ્થળે જ રેઢી મૂકીને તેનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ વિરમગામ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે બંને યુવાનોના મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. વિરમગામ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, ચોટીલા-રાજકોટ હાઈવે પર નાની મોલડી ગામ નજીક બે ટ્રક, બસ અને વેગનાર કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસમાતમાં કારમાં ફસાયેલા ત્રણથી ચાર લોકોને જેસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. કારમાં સવાર સુરેન્દ્રનગરનો મોચી સમાજનો પરિવાર મોરબી મેરેજમાં જઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code