
- અકસ્માતમાં 15 પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા,
- બે મૃતકોને બસના પતરા કાપીને બહાર કાઢવા પડ્યા,
- અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો
વડોદરાઃ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરાના કરજણ નજીક હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક બે ખાનગી બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. બન્ને મૃતકોને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપીને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતાં.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, વડોદરાના કરજણ તાલુકાના લાકોદરા પાટિયા નજીક બે ખાનગી બસો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 15થી વધુ પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. એક લક્ઝરી બસ સાથે પાછળથી આવતી અન્ય બસ અથડાઈ હતી. આ ઘટના સુરતથી રાજકોટ તરફ જતી બન્ને લકઝરી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક ટોલ એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે હાઇવે ઉપર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.
આ અકસ્માતના બનાવની જાણ કરજણ ફાયર વિભાગને થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાછળની બસમાં કંડક્ટરની સીટ પર બેસેલ વ્યક્તિ અને બીજી બસમાં પ્રવાસી એક મહિલાને હાઇડ્રોલિક સાધનોનો ઉપયોગ કરી પતરા કાપી રેસ્ક્યૂ કર્યા હતા. પાછળની બસમાં કંડક્ટર સીટ પર બેસેલી વ્યક્તિ તેમજ આગળની બસમાં રહેલી મહિલાનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. તેમજ અંદાજિત 15 જેટલા પ્રવાસીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતા કરજણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. સાથે ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.