ભૂજ, 6 સપ્ટેમ્બર, 2026 : Two men arrested with suspicious quantity of copper wires and plates શહેરમાં કોપર વાયર અને કોપરની પ્લેટોનો જથ્થો લઈ જતાં બે શખસોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. પોલીસે બન્ને શખસોની પૂછતાછ કરતા કોપરના વાયરો અને પ્લેટો અંગે કોઈ પુરાવા આપી શક્યા નહતા. તેમજ કોપરના વાયરો અને પ્લેટો ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જવાના હતા તેના પણ જવાબો શંકાસ્પદ લાગતા બી-ડિવીઝન પોલીસે કોપર વાયર, કોપરની પ્લેટો, મોબાઈલ ફોન અને બોલેરો પીકઅપ સહિત કુલ ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ભૂજ બી ડિવિઝન પોલીસ સૂત્રોના કહેવા મુજબ, પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ચોરીના માલસામાનની હેરાફેરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ રીતે જતી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને રોકીને તપાસ કરવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા અંદરથી કોપર વાયર અને કોપરની પ્લેટો મળી આવતા પોલીસને આશ્ચર્ય થયું હતું. પોલીસે જથ્થા અંગે જરૂરી આધાર-પુરાવા માગતા ગાડીમાં સવાર લોકો યોગ્ય પુરાવા આપી શક્યા નહીં. જેથી પોલીસે બંનેને પકડીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં આશરે 80 કિલોગ્રામ કોપર વાયર, જેની અંદાજિત કિંમત ₹40 હજાર છે, અને 14 નંગ કોપરની પ્લેટો, જેની કિંમત આશરે ₹70 હજાર છે, તે જાણવા મળ્યું છે.
આ ઉપરાંત, ₹5 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને ₹80 હજારની કિંમતની GJ-12-BZ-1038 નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલા કોપરના જથ્થાનો સ્ત્રોત, તે ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. વધુમાં, આ જથ્થો કોઈ ચોરીના ગુનામાંથી મેળવાયો છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.


