Homeગુજરાતીગુજરાતબનાસકાંઠામાં અછતની સ્થિતિ, ખેડૂતો અને પશુપાલકોની કફોડી સ્થિતિ

બનાસકાંઠામાં અછતની સ્થિતિ, ખેડૂતો અને પશુપાલકોની કફોડી સ્થિતિ

પાલનપુર, 6 સપ્ટેમ્બર, 2026 : ચોમાસામાં વરસાદ માટે મહત્વના ગણાતા અષાઢ મહિનો પૂર્ણ થતા બાદ શ્રાવણ મહિનો પણ પુરો થવાની તૈયારીમાં છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પુરતો વરસાદ પડ્યો નથી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અપુરતા વરસાદને લીધે ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે.વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલા મગફળી, મકાઈ, એરંડા સહિતના ચોમાસુ પાકને નુકસાન થવાની ભીતિ છે

બનાસકાંઠાની મુખ્ય ગણાતી બનાસ નદી કોરાધાકોર જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન નદી માત્ર એક જ વખત બેકાંઠા બની હતી. નદી પરના દાંતીવાડા ડેમમાં પાણીની આવક નહિવત રહી છે. સીપુ ડેમ પણ લગભગ ખાલી છે, જ્યારે મુક્તેશ્વર ડેમમાં પણ પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. આમ જિલ્લાના સિંચાઈ માટે મહત્વના ગણાતા ત્રણેય ડેમ પુરતા ભરાયા નથી. ભર ચોમાસે જળાશયોની આ સ્થિતિ ખેડૂતો અને પશુપાલકો માટે ચિંતાજનક બની છે. આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઉભેલા પાકને પૂરતું પાણી મળવું મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મગફળી સહિતના ચોમાસુ પાકના ઉત્પાદન પર સીધી અસર થવાની શક્યતા છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક પાક સર્વે કરાવવાની માગ કરી રહ્યા છે.

ખેડૂતોના કહેવા મુજબ બનાસકાંઠામાં આ વખતે વરસાદની સ્થિતિ અત્યંત નબળી છે. પાલનપુર, વડગામ, અમીરગઢ અને દાંતા વિસ્તારમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો નથી. તેમણે સરકાર દ્વારા દર્શાવવામાં આવતા 15થી 16 ઇંચ વરસાદ અને 50 ટકા વરસાદના આંકડાઓ સામે સવાલ ઉઠાવી ગામડાઓની વાસ્તવિક સ્થિતિ અલગ હોવાનો દાવો કર્યો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular