વડોદરા, 31 માર્ચ 2026: Dumper hits bike શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ નારેશ્વરના શાયર ગામ નજીક સર્જાયો હતો. પૂર ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક અને બે વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક સવાર એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વડોદરાના કરજણ તાલુકામાં નારેશ્વર પંથકમાં નર્મદા નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા ડમ્પરો ઉપર કોઈ નિયંત્રણ નહીં હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં એક અન્ય બાઈકચાલક તેમજ બે વર્ષની માસુમ બાળકી પર અન્ય ડમ્પરનું વ્હીલ ફરી વળતા બંનેનુ મોત નીપજ્યું હતું.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી તેમજ હાલ ગુજરાતમાં રહેતો રામકુમાર ઉંમર વર્ષ 26 રેતી ભરવાના ડમ્પર ઉપર ડ્રાઇવિંગ કરતો હતો. તારીખ 29 ની રાત્રે તેઓ નારેશ્વર પંથકમાં શાયર ગામની સીમમાં નર્મદા નદીના કિનારે લીઝ ઉપર રેતી ભરવા માટે ડમ્પર મૂક્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સવારે રામકુમાર તેમજ તેની સાથે છેલ્લા એક વર્ષથી સાથે રહેતી બે વર્ષની પુત્રી અને રબ્બાની અબ્દુલ કલામ અન્સારી ત્રણે લીઝ પરથી એક બાઈક લઈને ચા નાસ્તો લેવા માટે ગયા હતા. દરમિયાન રેતી ભરવાના એક હાઈવા ડમ્પરે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક ઉપરથી ત્રણે પટકાયા હતા. જ્યારે ડમ્પરનું આગળનું વ્હીલ રામકુમાર અને માસુમ બાળકી ઉપર ફરી વળતા બંનેના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે રબ્બાની અન્સારીને ઇજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


