
ઇઝરાયલના સુરક્ષા મંત્રીમંડળની બેઠકમાં દક્ષિણ લેબનોનમાંથી સૈનિકો પાછા ખેંચવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. ગયા વર્ષે નવેમ્બરમાં થયેલા યુદ્ધવિરામ કરાર મુજબ, ઇઝરાયલે 26 જાન્યુઆરી સુધીમાં દક્ષિણ લેબનોનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાના છે.
હિબ્રુ મીડિયા આઉટલેટ વાય નેટને ટાંકીને ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અખબારના અહેવાલમાં માહિતી આપવામાં આવી છે. વાય નેટના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ, જણાવ્યું હતું કે નવેમ્બરમાં હસ્તાક્ષર કરાયેલા યુદ્ધવિરામ કરારમાં નિર્ધારિત સમયમર્યાદા પછી પણ ઇઝરાયલ દક્ષિણ લેબનોનના કેટલાક ભાગોમાં સૈનિકો તૈનાત રાખી શકે છે. સુરક્ષા મંત્રીમંડળે પોતાની બેઠકમાં જમીની પરિસ્થિતિની ચર્ચા કરી હતી, પરંતુ 26 જાન્યુઆરી સુધીમાં સૈનિકો પાછા ખેંચવા અંગે કોઈ સર્વસંમતિ થઈ શકી નથી.
યુદ્ધવિરામની શરતો હેઠળ, ઇઝરાયલ સંરક્ષણ દળોને 26 જાન્યુઆરી સુધી દક્ષિણ લેબનોન ખાલી કરાવવાનો સમય છે. ઇઝરાયલે અહેવાલ મુજબ કહ્યું હતું કે હિઝબુલ્લાહ સમગ્ર પ્રદેશમાં ફરીથી સંગઠિત થઈ ગયો હોવાથી તેને બીજા 30 દિવસની જરૂર છે. આ અધિકારીનું કહેવું છે કે ઇઝરાયલ આ અંગે નિર્ણય લેતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે વાતચીત કરવા માંગે છે. અમેરિકામાં ઇઝરાયલના વિદાયમાન રાજદૂત માઇકલ હર્ઝોગે આર્મી રેડિયો નેટવર્કને જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે જેરુસલેમ અને વોશિંગ્ટન આ બાબતે “સમજૂતી” પર પહોંચશે.