
- રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ
- તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી
- ત્રણ દિવસ માવઠા સાથે ભારે પવન ફુંકાવવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં સોમવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. ભાવનગરના મહુવા, ખંભાત સહિત કેટલાક વિસ્તારોમાં તો ચારથી સાત ઈંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. એવામાં હવામાન વિભાગની આગાહી મુજબ લાગી રહ્યું છે કે મેઘરાજા વિરામના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી રવિવાર સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. આજે ગુરૂવારે બપોર સુધીમાં વલસાડના ધરમપુર, પારડી, વાપી, અને ડાંગ આહવામાં વરસાદના ઝાપટા પડ્યા હતા.
હવામાન વિભાગની દ્વારા આજે ગુરૂવારે 10 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, અને સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરી હતી. જોકે આજે બપોર સુધીમાં માત્ર વલસાડ જિલ્લામાં જ વરસાદના ઝાપટાં પડ્યા હતા. હવે રવિવાર સુધી રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામા આવી છે. આ દરમિયાન પણ 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે વાદળછાંયુ વાતાવરણ રહ્યું હતુ. વાદળછાયા વાતાવરણને લીધે તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ શનિવારે, 10મી તારીખે ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અને રવિવારે, 11મી તારીખએ આખા ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.