
નવી દિલ્હી: ગુરુવારે લોકસભામાં અમેરિકામાંથી “ગેરકાયદેસર” ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના મુદ્દા પર વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી ગૃહ શરૂ થયાના માત્ર 10 મિનિટ પછી, સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં, વિપક્ષી સભ્યોએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.
ઘણા વિપક્ષી સભ્યોએ આ મુદ્દા પર ચર્ચાની માંગણી કરતી મુલતવી નોટિસ આપી હતી. વિપક્ષી સભ્યોના હોબાળા વચ્ચે બિરલાએ પ્રશ્નકાળ શરૂ કર્યો હતો. સૂત્રોચ્ચાર વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લગતા કેટલાક પૂરક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લોકસભા અધ્યક્ષે વિપક્ષી સભ્યોને સૂત્રોચ્ચાર બંધ કરવા અને ગૃહને કાર્યરત રહેવા દેવા અપીલ કરી હતી.
બિરલાએ એમ પણ કહ્યું, “તમારા બધા મુદ્દાઓને સરકારે ધ્યાનમાં લીધા છે. આ વિદેશ નીતિનો મામલો છે. તેમની પોતાની નીતિઓ છે. સરકાર આ અંગે ગંભીર છે. તમને વિનંતી છે કે ગૃહને કામ કરવા દો. તમે લોકો દરરોજ પ્રશ્નકાળ દરમિયાન ગતિરોધ બનાવીને ભારતીય મતદારોનું અપમાન કરી રહ્યા છો.
જ્યારે હોબાળો બંધ ન થયો, ત્યારે તેમણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે અમેરિકાથી 104 “ગેરકાયદેસર” ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક અમેરિકન લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામેની કાર્યવાહીના ભાગ રૂપે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પરત મોકલવામાં આવેલા ભારતીયોનો આ પહેલો જથ્થો છે.