અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાને છેલ્લા 5 વર્ષથી મરામત કરવાને બહાને બંધ કરવામાં આવી છે, અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બાળકોને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને બીજી સ્કૂલમાં જવું પડે છે. આથી રખિયાલ અને બાપુનગરના વાલી મંડળોએ માંગણી કરી કે, રીપેરીંગ કરીને ફટાફટ સ્કૂલ ચાલુ કરવામાં આવે. જો રીપેરીંગ નહીં કરવામાં આવે તો પોર્ટેબલ રૂમમાં બાળકોને બેસાડીને સ્કૂલ ચાલુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ સંચાલિત રાખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દૂ સ્કૂલ 1, 2 ને 2020માં રીપેરીંગ ના નામે બંધ કરવામાં આવી હતી. અને બેધ કરાયેલી સ્કૂલના બાળકોને રખિયાલ ચાર રસ્તા સ્થિત મલ્ટી લેંગ્વેજ સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. આ સ્કૂલ દૂર હોવાથી અને ભારે ટ્રાફિકવાળા વિસ્તારમાં હોવાથી વિદ્યાર્થી અને વાલીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને ચાલીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને જવુ પડે છે તેના લીધે તેમના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે અને વાલીઓને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તેથી બાપુનગર રહેવાસી મંડળ (ગુજરાત હાઉસિંગ બોર્ડ – EWS-5008) તથા અમદાવાદ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા મ્યુનિના સ્કૂલ બોર્ડના અયોગ્ય નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
વાલી મંડળના ચેરમેન મોહમ્મદ નિસાર અંસારીએ જણાવ્યું હતું કે, રખિયાલ વિસ્તારમાં આવેલી મ્યુનિ. પ્રાથમિક શાળાને પાંચ વર્ષ પહેલા રીપેરીંગના નામે બંધ કરી દેવામાં આવી હતી. આ શાળાની નીચે હજી સુધી દુકાનો ચાલુ છે. જ્યારે શાળાને નુકસાન જણાય છે. ત્યારે પણ AMC દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનો ભાડે આપવાનું ચાલુ રાખવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને શિક્ષણ વિરોધી પગલું છે. આ પ્રદર્શન દ્વારા અમારી માંગ છે કે તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક તેમની મૂળ અને સુરક્ષિત શાળામાં પુનઃસ્થાપિત કરવામાં આવે તથા શાળાની મરામત ઝડપથી પૂર્ણ કરી શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવું જોઈએ.
વાલીઓએ જણાવ્યું હતું કે, અમારા બાળકોને બીજી સ્કૂલમાં જવા માટે ઘણી પરેશાઓનો સામનો કરવો પડે છે. વાલીઓએ બાળકોને સ્કૂલ છોડવા માટે જવું પડે છે. રોડ ક્રોસ કરવામાં બાળકોને તકલીફ પડે છે અને થોડાક દિવસ પહેલા અહીંયા એક બાળકનો અકસ્માત પણ થયો હતો. જીવ જોખમમાં નાખીને બાળકો સ્કૂલમાં જાય છે એટલે બંધ કરાયેલી ઊર્દુ સ્કૂલને ફરીથી ચાલુ કરવાની માગણી છે.


