1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ અંતર્ગત તા.14મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં ઉજવણી કરાશે
‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ અંતર્ગત તા.14મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં ઉજવણી કરાશે

‘વાઇબ્રન્ટ ગુજરાત’ પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ અંતર્ગત તા.14મી સપ્ટેમ્બરે ઉદયપુરમાં ઉજવણી કરાશે

0
Social Share
  • શરદપૂનમની રાત્રે નવી દિલ્હી ખાતે ખાસગરબા મહોત્સવ‘ યોજાશે,
  • ઉદયપુરના મહોત્સવમાં રાજસ્થાનના નાયબ CM તથા કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે,
  • નવરાત્રી ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે

ગાંધીનગરઃ   યુનેસ્કો દ્વારા માનવતાના ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ તરીકે માન્યતા મેળવનારા ગુજરાતના સુપ્રસિદ્ધ લોક નૃત્ય ગરબાના તાલે હવે ઉદયપુરવાસીઓને પણ રમાડવા રાજ્ય સરકાર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આગામી તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૫માં રોજ સાંજે ૭:૩૦ કલાકે ફિલ્ડ ક્લબ, ઉદયપુર ખાતે પ્રથમવાર“વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૫”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ વિશિષ્ટ પ્રસંગે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા ગુજરાતના પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠિત ગાયક  પાર્થિવ ગોહિલ લાઈવ પરફોર્મન્સ તેમજ ગુજરાતી લોકનૃત્ય, તલવાર રાસ, ગોફ ગૂંથણ અને મણિયારો રાસ જેવા અનોખા નૃત્યથી અનન્ય ઊર્જાનો અનુભવ થશે. આ ઉપરાંત પ્રથમવાર પોસ્ટ નવરાત્રીના ભાગરૂપે નવરાત્રી બાદ ‘શરદપૂનમ’ની રાત્રે દિલ્હીવાસીઓ માટે દિલ્હી ખાતે ખાસ ગરબા મહોત્સવ યોજાશે તેમ પ્રવાસન નિગમ,ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

આ ઉત્સવની તૈયારી અંતર્ગત, તા. ૮ થી ૧૩ સપ્ટેમ્બર સુધી ઉદયપુરના JCA ડાન્સ એન્ડ સ્પોર્ટ્સ ફિટનેસ હબ ખાતે નિઃશુલ્ક ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી સ્થાનિકો તેમજ મુલાકાતીઓ ગુજરાતી ગરબાની લય,તાલ અને ભાવના સાથે જોડાઈ શકે. આ નિ:શૂલ્ક  ગરબાનો સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૭ થી ૧૧ કલાક નક્કી કરવામાં આવ્યો છે. ઉદયપુરમાં ગરબા વર્કશોપ અંગે વધુ વિગતો માટે મો.  ૬૩૫૮૧ ૪૪૬૧૧ ઉપર સંપર્ક કરી શકાશે.

ગુજરાત ટુરિઝમના પ્રવક્તાએ ગુજરાતની સંસ્કૃતિનો અનુભવ કરવા સૌ નાગરિકોને જાહેર આમંત્રણ પાઠવતાં જણાવ્યું હતું કે, ગરબા વર્કશોપ અને મુખ્ય કાર્યક્રમનો ઉદ્દેશ્ય સહભાગીઓને ગરબાની લય અને ભાવના સાથે જોડવાનો છે. આ ઉત્સવ ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનો સાંસ્કૃતિક સેતુ બની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઉત્સવ દરમિયાન અનુભવી નૃત્યકારોથી લઈને પ્રથમ વાર ગરબાના તાલે ઝૂમનારા ઉત્સાહીઓ માટે પરંપરાગત પોશાક ફરજિયાત રહેશે અને સર્વે નાગરિકો માટે પ્રવેશ નિઃશૂલ્ક રહેશે. શ્રેષ્ઠ પરંપરાગત પોશાક, શ્રેષ્ઠ ગરબા પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલૈયાઓ માટે વિવિધ સ્વરૂપે રૂ.૫૦૦૦/- સુધીની મૂલ્યના આકર્ષક વાઉચર -ઇનામો પણ જાહેર કરવામાં આવશે. ઉપરાંત,ગુજરાતના સાંસ્કૃતિક વારસાની ઝલક આપતો આ ઉત્સવ માત્ર નૃત્ય-સંગીત પૂરતો મર્યાદિત ન રહી, ખેલૈયાઓ માટે ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા અને પરંપરાગત વિવિધ વ્યંજનોનો સ્વાદ માણવાની તક પણ આપશે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે. (file photo)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code