ગાંધીનગર, 3 ફેબ્રુઆરી 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતોના સરપંચોને ગ્રામીણ સ્તરે વધુ પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે વિકસિત ભારત માટે વિકસિત ગ્રામનું કર્તવ્ય નિભાવવા આહવાન કર્યુ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષનું કેન્દ્ર સરકારનું બજેટ પણ કર્તવ્યને મુખ્ય આધાર લઈને બનાવવામાં આવ્યું છે એટલું જ નહિ, આ બજેટમાં ગ્રામ વિકાસ પર વિશેષ ઝોંક આપવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં તેમણે દેશના વિકાસમાં ગામડાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમ જણાવતા સરપંચોને પણ ગામના વડા તરીકેનું કર્તવ્ય જવાબદારી પૂર્વક અદા કરીને વિકસિત ભારતના નિર્માણમાં સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી જનશક્તિને જોડવાનું પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રીઓ ઋષિકેશ પટેલ તથા કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓના ૨૬૦ થી વધુ સરપંચો સહભાગી થયા હતા. ગામડાઓને ભારતનો આત્મા કહેવામાં આવ્યા છે તેની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, ગામના બધા જ લોકો એક સાથે વિકાસ કામોમાં જોડાય તો ગામનો વિકાસ દિપી ઉઠે.
સરપંચ તરીકે મળેલી સેવાની તકને પોતાની ધગશ અને ગામના વિકાસ માટે કઈંક વધુ સારૂ કરવાની ખેવનાથી વિકાસ કામોની આયોજનબદ્ધ રીતે યાદી બનાવીને વડાપ્રધાનએ આપેલા સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો ઉપયોગ થાય તેની પ્રેરણા આપતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું કે, સરપંચોની પ્રાથમિક જવાબદારી ગામના છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાની છે. જ્યારે ગામડાંનો વિકાસ થશે, ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ‘ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ’માં ઉપસ્થિત રાજ્યના કર્મઠ સરપંચોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો ‘ગ્રામ સચિવાલય’નો મંત્ર ગામડાઓના વિકાસને નવી દિશા આપનારો છે. આ મંત્રને ગ્રામીણ સ્તરે સાકાર કરવાની અને ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની મુખ્ય જવાબદારી આપ સૌ સરપંચોની છે.
પંચાયતી રાજના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, પંચાયત અધિનિયમમાં દર્શાવેલા હક અને ફરજોને સમજીને ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરવું એ જ સાચી લોકસેવા છે. લોકશાહી પ્રણાલીમાં પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી વૈચારિક મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ ગામ હિતને સર્વોપરી રાખીને વિરોધ પક્ષની સારી બાબતોને પણ સંવાદ દ્વારા સ્વીકારવી જોઈએ.


