
- જ્ઞાન પ્રકાશ સ્વામીને વિરપુર આવી માફી માગવા 24 કલાકનું અલ્ટિમેટમ
- કાલે પણ વિરપુર બંધ પાળશે
- રઘુવંશી સમાજમાં સ્વામિનારાયણ સાધુ સામે રોષ
રાજકોટઃ સાધુ-સંતો તેમના અનુયાયીઓને સદકર્મો કરવા અને સદમાર્ગ ચાલવાનો ઉપદેશ આપતા હોય છે. પણ ઘણીવાર કેટલાક સંતો પોતાના સંપ્રદાયને અન્ય સંપ્રદાય કરતા ઉંચો બતાવવાના ચક્કરમાં વિવાદાસ્પદ ઉચ્ચારણો કરતા હોય છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશે સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. અને સ્વામિનારાયણ સંત સામે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. સ્વામિનારાયણ સંતના વિવાદાસ્પદ ઉચ્ચારણો સામે આજે વીરપુર (જલારામ) ખાતે સમાજના આગેવાનો, વેપારીઓ, વેપારી મંડળના પ્રમુખ અને રઘુવંશી સમાજના આગેવાનોની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામી રૂબરૂ મંદિરે આવી માફી માગે તેવી માગ કરવામાં આવી છે.
વલસાડ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જ્ઞાન પ્રકાશએ સત્સંગ સભામાં જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં વિરપુર આજે સજ્જડ બંધ રહ્યું હતું અને આવતીકાલે બુધવારે પણ વિરપુર સજ્જડ બંધ પાળશે. વીરપુર ગ્રામ પંચાયતમાં બોલાવાયેલી બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. વિરપુર બંધ દરમિયાન આવશ્યક વસ્તુઓ જેવી મેડિકલ અને હોસ્પિટલો ચાલુ રાખવામાં આવશે. સાથે સાથે જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કાલે સાંજ સુધીમાં જલારામ બાપાની જગ્યામાં આવી રૂબરૂ માફી માગે, જો માફી નહીં માંગે તો આગામી રણનીતિ 6 માર્ચના જાહેર કરવામાં આવશે.
જલારામ બાપાના ભક્તોમાં અને રઘુવંશી સમાજમાં જ્ઞાન પ્રકાશ સ્વામી સામે વિરોધ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગી છે, અને સોશ્યલ મીડિયામાં વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે. બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે, સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે એક બેઠક પણ બોલાવવામાં આવી છે.
વીરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે, જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનથી સમગ્ર ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જેથી જ્ઞાનપ્રકાશ સ્વામી વિરુદ્ધ રણનીતિ ઘડવામાં આવશે. સોશિયલ મીડિયા પર માફી માંગી તે સારી વાત છે પણ ગ્રામજનો જ નક્કી કરશે કે આગળ શું કરવું. ભક્ત સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલે છે. 205 વર્ષ પહેલાં મહા સુદ બીજના જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ થયું હતું.