સુરત,18 જાન્યઆરી 2026: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં થોડા વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યુ છે. પણ વહેલી સવારથી ગાઢ ધૂમ્મસ અને કેટલાક વિસ્તારમાં ઝાકળને લીધે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. સુરત શહેરમાં આજે સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઈમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતાં હિલ સ્ટેશન જેવા આહલાદક દૃશ્યો સર્જાયા હતા, પરંતુ આ ધુમ્મસ વાહનચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લધુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે. હાલ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં તાપમાનમાં થોડીઘણી વધઘટ જોવા મળી શકે છે. સુરત શહેરમાં વહેલી સવારથી જ વિઝિબિલિટી નહિવત્ થઈ જતાં શહેરના વિવિધ માર્ગો પર વાહન-ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનોની ગતિ મંદ પડી હતી. વાહનચાલકોને સવારે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ધુમ્મસની સૌથી વધુ અસર સુરત એરપોર્ટ પર જોવા મળી હતી. ખરાબ દૃશ્યતાને કારણે સુરત આવતી બે ફ્લાઈટ અને અહીંથી ઉપડતી બે ફ્લાઈટ મોડી પડી હતી, જેના કારણે મુસાફરો અટવાયા હતા. રેલવે ટ્રેક પર પણ ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી રાખવામાં આવી હતી, પરિણામે અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડી રહી હતી.
સુરત શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગો ધુમ્મસની ઉપર હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. 10 વાગ્યા બાદ પણ ધુમ્મસનું જોર રહેતા સુરતીઓએ ઠંડકભર્યા માહોલની મજા માણી હતી. જોકે, કામકાજ અર્થે વહેલા નીકળતા લોકો માટે આ ધુમ્મસ પરેશાનીનું કારણ બન્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સુરતમાં રેકોર્ડબ્રેક ઠંડી બાદ હવે તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. આજે અને કાલે રાત્રીના તાપમાનમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે. આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે, ત્યારબાદ પારો 1થી 2 ડિગ્રી જેટલો વધી શકે છે.


