
- ખેડૂતોને કેનાલ ભરોસે વાવેતર ન કરવા તાકીદ
- કેનાલોમાં સાફ સફાઈ અને પમ્પીગ સ્ટેશનોની મરામતને લીધે પાણી બંધ કરાશે,
- સુરેન્દ્રનગર ઉપરાંત બોટાદ, વલ્લભીપુર, મોરબી, રાજકોટ જિલ્લામાં સિંચાઇનું પાણી બંધ થશે
સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છને પાણી પુરૂ પાડતી નર્મદાની મુખ્ય કેનાલ અને પેટા કેનાલો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે. અને સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ અ સૌરાષ્ટ્રનું પાણીયારૂ કહેવાય છે. કારણ કે ધોળી ધજા ડેમમાં નર્મદાનું પાણી ઠાલવીને સૌરાષ્ટ્રભરમાં વિતરણ કરવામાં આવે છે. હાલ નર્મદા કેનાલને સાફ-સફાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ઉપરાંત કેનાલો પરના પમ્પિંગને પણ મરામત કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. આથી કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનોની મરામત માટે આગામી તા. 1લી માર્ચથી કેનાલોમાં પાણી બંધ કરાશે. નર્મદા કેનાલના ભરોસે ઉનાળુ કે અન્ય વાવેતર ન કરવા તાકીદ નર્મદા નિગમે કરી છે
નર્મદા નિગમના સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં નર્મદાનું પાણી પૂરું પાડતી કેનાલોમાં તા 1 માર્ચથી પાણી વહેવડાવવાનું બંધ કરવામાં આવશે. આથી સૌરાષ્ટ્ર કચ્છને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ પીવાના પાણી માટે છલોછલ ભરી દેવાયો છે. ઝાલાવાડના 350થી વધુ ગામમાં સિંચાઇ માટે પાણી બંધ થવાને કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત બોટાદ, વલ્લભીપુર, મોરબી, રાજકોટ જિલ્લામાં સિંચાઇનું પાણી બંધ થશે. આથી નર્મદા કેનાલના ભરોસે ઉનાળુ કે અન્ય વાવેતર ન કરવા તાકીદ નર્મદા નિગમે કરી છે. ઝાલાવાડ એ વર્તમાન સમયે સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારું કહેવામાં આવે છે.
રાજ્યમાં નર્મદાના નીરનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. આથી જ જિલ્લામાં ઉનાળુ વાવેતરમાં પણ વધારો થયો છે. ત્યારે રાજ્ય સરકારે જિલ્લાની કુલ 5 કેનાલમાં જે સિંચાઇ માટે પાણી આપવામાં આવતું હતું તે તા. 1 માર્ચથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં જિલ્લામાં ધ્રાંગધ્રા, હળવદ, વઢવાણ તાલુકાના ગામના 350થી વધુ ગામના ખેડૂતોને સિંચાઇ માટે અપાતું પાણી બંધ કરી દેવાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી બંધ કરાતા પાણી 2 દિવસમાં 0 લેવલે થઇ જશે. આથી ઢાંકીથી ધોળીધજા સુધીના 5 પમ્પિંગ સ્ટેશનો બંધ કરીને રિપેરીંગ કરાશે. જ્યારે 5 મુખ્ય કેનાલોની સાફ-સફાઇ પણ કરવામાં આવશે. ત્યારે પેટા કેનાલોની સફાઇ પણ કરાય તેવી માગ છે.