1. Home
  2. ગુજરાતી
  3. ટચુકડા દેશ ઇઝરાયેલના કાબિલે તારીફ લડાયક ઝનુનના મુળમાં એવુ તો શું છે ?
ટચુકડા દેશ ઇઝરાયેલના કાબિલે તારીફ લડાયક ઝનુનના મુળમાં એવુ તો શું છે ?

ટચુકડા દેશ ઇઝરાયેલના કાબિલે તારીફ લડાયક ઝનુનના મુળમાં એવુ તો શું છે ?

0
Social Share

વિશ્વના નકશામાં માંડ જડે એવા ઇઝરાયેલનો આટલો આશ્ચર્યજનક વિકાસ કેવી રીતે થઇ શક્યો ? 

ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને ગાઝાપટ્ટીનો મિડલ ઇસ્ટ વિસ્તાર આજકાલ સુર્ખીઓમાં છે. લોકોને દહેશત છે કે, જગત આખુ ત્રીજા વિશ્વયુધ્ધની કગાર ઉપર ઊભુ છે. સદીઓથી આ વિસ્તારમાં મોટા પાયે વિનાશ સર્જાતો આવ્યો છે. અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. પોતાના પ્રદેશને છોડીને પલાયન થઇ ગયા છે. મીડલ ઇસ્ટના આ વિસ્તારમાં વર્ષોથી લોહીયાળ જંગ કેમ ખેલાતો આવ્યો છે ? આના મુળમાં રહેલી કેટલીક હકીકતો જાણવા જેવી છે. આ સમગ્ર સંઘર્ષનું કેન્દ્ર જેરુસલેમની પવિત્ર ભૂમીમાં આવેલું પાંત્રીસ એકરનુ પવિત્ર સ્થળ છે.  આ જગાનો દાવો યહૂદીઓ, ખ્રિસ્તીઓ અને મુસ્લિમો ત્રણેય કોમ્યુનિટી દ્વારા સદીઓથી કરવામાં આવે છે. આ વિસ્તારમાં લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનું મુળ કારણ બસ આ જ છે.

ઇઝરાયેલના યહૂદીઓ અને પેલેસ્ટાઇનના મુસ્લિમોના સંઘર્ષ પહેલા અહીં યહૂદીઓ અને ક્રિશ્ચનો વચ્ચે શરૂઆતી જંગ હતો. હવે સવાલ એ છે કે, છાશવારે ઇઝરાયેલ સાથે ગાજાપટ્ટી, પેલેસટાઈન, ઈરાન, લેબેનોન, કેનીયા, જોર્ડન, સુદાન, ઇજીપ્ત, સાઉદી જેવા આસપાસના સાત દેશો કેમ હંમેશા બાયો ચડાવે છે ? આ વિસ્તારમાં વિશ્વના નકશા ઉપર મેગ્નિફાઇંગ ગ્લાસથી શોધવો પડે એવો નાનકડો દેશ ઈઝરાયેલ કેમ આટલો બધો ઉગ્ર રહે છે ? છેલ્લા અઢી હજાર વર્ષથી યુરોપિયન કન્ટ્રી અને ખાસ કરીને જર્મનીના તાનાશાહ હિટલરના હાથે યહૂદી પ્રજાએ સતત અને સખત માર ખાધો છે. પોતાના વિસ્તારને છોડીને યહૂદીઓ જુદા જુદા દેશોમાં જ્યાં સલામતી મળી ત્યાં પલાયન કરી ગયા. સદીઓ સુધી યહૂદી પ્રજાએ ખૂબ દમન સહન કર્યું. વર્ષ ૧૯૪૮માં બ્રિટન દ્વારા ઇઝરાયેલને અલગ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું અને યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ એને માન્યતા આપવામાં આવી. હવે યહૂદીઓ માટે કાયમી આશ્રયસ્થાન ઇઝરાયેલ બન્યું હતું. યરૂસલેમ કે જેને જેરૂસલેમ પણ કહે છે એ આ ઝઘડાઓ પાછળનું મુખ્ય કારણ છે. યરૂસલેમની પવિત્ર ભૂમિ ઉપર અઢી હજાર વર્ષોથી યહૂદીઓ, ઇસાઈઓ અને મુસલમાનોની ધાર્મિક લાગણીઓના મૂળ ખૂબ ઊંડે સુધીના છે.

પુલક ત્રિવેદી

અહીં આવેલા ટેમ્પલ ઓફ માઉન્ટ નામની પવિત્ર ભૂમિમાં આ ત્રણે મહાજાતિની ધાર્મિક આસ્થા  ધરબાયેલી છે. ઈસાઇઓના ઈસુ ખ્રિસ્તનો જન્મ આ વિસ્તારમાં થયો છે. મુસલમાનોના મહંમદ બેગંબરનું નિર્વાણ પણ આ વિસ્તારમાં જ થયું. જીસસ યહુદી કુળના હતા. યહૂદીયો ઈસુ અનુયાયી છે. યુરોપ અને પશ્ચિમના દેશોની નિર્દયી પાશવીતાના કારણે આ જંગનો શરૂઆતનો તબક્કો યહૂદીઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે હતો. ત્યારબાદ ક્રમશઃ યુરોપ અને પશ્ચિમના દેશોએ યહૂદીઓ ખ્રિસ્તી હોવાના નાતે અલગ રાષ્ટ્ર અને પહેચાન આપતા યહુદીઓ અને ક્રિશ્ચનો વચ્ચે કાયમી સુલેહ સર્જાઇ ગઇ. પરંતુ આસપાસના મુસલમાન દેશોમાં આનાથી ખળભળાટ મચી ગયો. આખો વિવાદ યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે ટ્રાન્સફર થઈ ગયો. મિડલ ઈસ્ટના આ સળગતા સંઘર્ષના ઇર્દગીર્દ ટેમ્પલ ઓફ માઉન્ટ, હોલી ટેન કમાંડમેન્ટ્સની મૂળપ્રત અને હોલી વેસ્ટર્ન વોલ આ ત્રણ મહત્વના સ્થળો છે.

વાત કરવી છે, માત્ર વીસ હજાર સ્ક્વેર કિલોમિટર ભૂમિનો વિસ્તાર ધરાવતા અને એમાં પણ સાઇઠ ટકા રણવિસ્તાર કે જેમાં અનાજનો દાણો પણ નથી ઉગી શકતો એવા ઇઝરાયેલ રાષ્ટ્રની પ્રગતિની. ઇઝરાયેલની જીડીપી ૫૦,૦૦૦ કરોડ અમેરિકન ડોલરની છે. યુનાઇટેડ નેશન્સના વિકસિત રાષ્ટ્રની સૂચિમાં ઇઝરાયેલનું સ્થાન ૩૯માં ક્રમે છે. ભારત સાથે તુલના કરતા ઇઝરાયેલના આર્થિક દબદબાનો ખ્યાલ આવશે. ભારતની જીડીપી ૩.૫ ટ્રિલિયન યુએસ ડોલરની છે. ઇઝરાયેલની સરખામણીએ ભારતની જીડીપી સાત ગણી વધુ છે. આ વાતથી હરખાવા જેવું જરા પણ નથી. વિગતે એને સમજીએ. ભારતની વસ્તી ૧૪૦ કરોડની છે જ્યારે ઇઝરાયેલને કુલ વસ્તી માત્ર ૯૮ લાખની છે એટલે ભારત ઇઝરાયેલ કરતાં વસ્તીની દ્રષ્ટિએ ૧૪૦ ગણો મોટો છે અને એની જીડીપી ઇઝરાયેલ કરતા માત્ર સાત ગણી જ વધુ છે.

કૃષિ, ખનીજ, પાણી, આરોગ્ય, સુરક્ષા વગેરે ક્ષેત્રે ઇઝરાયેલની પ્રગતિ આશ્ચર્યચકિત થઈ જવાય એવી છે. કુદરતી પ્રતિકૂળતા ઇઝરાયેલમાં એવી છે કે, એના કુલ જમીન વિસ્તારના માત્ર વીસ ટકા જમીનમાં જ એટલે કે ૪,૦૦૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં જ ઇઝરાયેલ ખેતી કરી શકે છે. ભારતની સાથે તુલના કરીએ તો ભારતમાં ૫૧ ટકા જમીનમાં કૃષિ ઉત્પાદન કરી શકાય છે. પાણીના પ્રત્યેક ટીપાના ઉપયોગ દ્વારા ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી છે. ડ્રીપ ઇરીગેશન, સ્પ્રિંકલર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ડીસેલિનેશન, રીયુસ ઓફ ટ્રીટેડ વોટર વગેરે જેવા ઇનોવેટિવ આઈડિયાઝ જગતને અને ખાસ કરીને ભારતને ઇઝરાયેલે આપ્યા છે.

કોઈપણ રાષ્ટ્ર એના લોકોની મહેનત, હિંમત અને તાકાતથી જગતમાં કાઠુ કાઢે છે. ઇઝરાયેલ પાસે નથી ખનીજ તેલ કે નથી કૃષિ લાયક જમીન અને ઉપરથી સદીઓથી થતા સંઘર્ષને પરિણામે થતી ખુનામરકી છતાં પણ ઇઝરાયેલની પ્રગતિનો ગ્રાફ લાજવાબ કેમ છે ? તો એના જવાબમાં ઇઝરાયેલીઓની દેશદાઝ અને બુદ્ધિશક્તિ છે. ૧૪૦ કરોડની વસ્તી ધરાવતા ભારત દેશના ૧૩ નાગરિકોને નોબેલ પારિતોષિક મળ્યા છે જ્યારે જગતભરમાં માત્ર દોઢ કરોડ ઇઝરાયેલી યહૂદીઓને ફાળે ૧૪ નોબેલ પારિતોષિક બોલે છે. હવે મનમાં એક સવાલ સહેજે ઊઠે કે, ખનીજ તેલ, કૃષિ જેવી મહત્વની કોઈ બાબત ઇઝરાયેલ પાસે ન હોવા છતાં પણ ઉદ્યોગ ક્ષેત્રે ઇઝરાયેલે કેવી રીતે કાઠુ કાઢ્યું છે. તો એનો જવાબ છે હીરા ઉદ્યોગ, ઈન્ટિગ્રેટેડ સર્કિટ અને ચીપ, પેટ્રોલિયમ રિફાઇનરી ઉદ્યોગ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેકિંગ, ઇલેક્ટ્રિકલ મશીનરી ઈક્વિપમેન્ટ જેવા ક્ષેત્રોમાં વિશ્વમાં ઇઝરાયેલનો ભારે દબદબો છે. અમેરિકા, ચાઇના, જર્મની, ભારત વગેરે જેવા દેશોમાં ઇઝરાયેલ એના ઔદ્યોગિક ઉત્પાદનોની થોકબંધ નિકાસ કરીને ઇન્ટરનેશનલ ફંડની ટંકશાળ પાડે છે.

હવે જરા એ પણ જોઈ લઈએ કે, અમેરિકા જેવો જગતનો જમાદાર કેમ ઇઝરાયેલીઓની પડખે ખડકની જેમ ઊભો રહે છે ? વિશ્વના ધન કુબેરોની પ્રતિવર્ષ યાદી આપતા ફોર્બ્સની વર્ષ ૨૦૨૩ની સૂચિમાં ૨૬૭ બીલીઓનેર ઇઝરાયેલી યહૂદીઓ છે. સોશિયલ મીડિયામાં ક્રાંતિ આણનારા માર્ક ઝકરબર્ગથી માંડીને ઓરેકલ કોર્પોરેશનના લેરી એલિસન, ગુગલના સહસ્થાપક સર્ગેઇ બ્રિન, તગડા ફાઇનાન્સિયર જ્યોર્જ સોરોસથી માંડીને માઈકલ બુલ્મબર્ગ, સ્ટીલ બાલમર, માઈકલ ડેલ જેવા અબજોપતિ ઇઝરાયેલી છે. અમેરિકાના મસમોટા ઉદ્યોગ ગૃહો ઇઝરાયેલી યહૂદીઓના હાથમાં છે. યુએસના પોલિટિશિયનોની ડોક આ ઇઝરાયેલી યહૂદી ઉદ્યોગપતિઓના પંજામાં વર્ષોથી રહેલી છે. જરા વિચાર તો કરો વિશ્વની મહાશક્તિ અમેરિકાના પ્રેસિડેન્ટ બાયડન વર્ષ ૨૦૨૩માં હમાસના ઇઝરાયેલ ઉપરના હુમલા બાદ ગણતરીના દિવસોમાં જ ઊડીને ઇઝરાયેલ એમનેમ તો નહીં દોડી ગયા હોય ને ! અમેરિકા ઇઝરાયેલની સાથે બાપા કહીને એટલા માટે ઊભું રહે છે કે, ઇઝરાયેલી ઉદ્યોગપતિઓના અરબો ખરબો નાણાં અને એમની બુદ્ધિશક્તિ અમેરિકન્સને આમ કરવા માટે ફરજ પાડે છે.

એક મજાની વાત એ પણ છે કે, સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ઈઝરાયેલી યહૂદી છે એ એમના લાખો કરોડોની નોકરી ધંધા છોડીને પોતાના દેશ માટે લડવા જે પહેલી ફ્લાઈટ મળી એ પકડીને ઇઝરાયેલ પહોંચી રહ્યા છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે ઇઝરાયેલના ફિલ્મ સ્ટાર્સ, પ્રખ્યાત મોડેલ્સ, સ્પોર્ટ્સ પર્સનાલિટી, ઉદ્યોગપતિ વગેરે હાથમાં ગન પકડીને પોતાના દેશ માટે લડવા નિકળી પડે છે. આવી જબરજસ્ત દેશભક્તિ જે દેશના લોકોમાં હોય એ દેશ ક્યારેય કોઈનાથી ન ઝુકે. બીજા વિશ્વયુદ્ધ સુધી સતત સદીઓથી માર ખાતા આવેલા યહૂદીઓએ ૧૯૪૮માં અલગ રાષ્ટ્રની જગ્યા સાંપડતા વેત સૂત્ર અપનાવ્યું કે, એન આઇ ફોર એન આઇ એન્ડ ટુથ ફોર ટુથ. અર્થાત જેવા સાથે તેવા થવામાં જ સાર છે. બીજા દેશો માટે કદાચ તેમના અહમને સંતોષવા માટે ઇઝરાયેલ સાથે યુદ્ધ કરાતું હશે પરંતુ ઇઝરાયેલ હંમેશા એના અસ્તિત્વ માટે જંગ ખેલતું હોય છે કારણ કે અઢી હજાર વર્ષોથી પોતાની ભૂમિ છોડીને વિશ્વભરમાં ભટકતા યહૂદીઓની હવે ઓળખ બનાવતી જગા કોઈપણ સંજોગોમાં છોડવા માગતા નથી. યાદ છે વર્ષ ૧૯૭૨માં મ્યુનિક ઓલમ્પિકની ઘટનામાં ૧૧ ઇઝરાયેલી ખેલાડીઓ અને કોચની હત્યા અને વર્ષ ૧૯૭૬માં એર ફ્રાંસમાં હોસ્ટેજીસ બનેલા ઈઝરાયેલી નાગરિકો માટે ઇઝરાયેલે ખેડેલો જીવ સટોસટનો ખેલ ! જાણે ઇઝરાયેલ કહેતું હોય એમ લાગે છે કે, સદીઓ સે હમને બહોત કુછ સેહ લીયા, અબ હમે છેડોગે તો યાદ રખના હમ ભી છોડેંગે નહી…

ઇઝરાયેલ અને એની આસપાસના વિસ્તારોમાં મરવા મારવાની આ માનસિકતા ક્યારેક તો ખતમ થશેને! એક સહજ પ્રશ્ન થાય કે, સદીઓથી જે ત્રણ મહા જાતિઓ અંદરો અંદર વિવાદના વમળમાં વધુને વધુ ખૂપતી જાય છે એવા સંઘર્ષનો અંત ક્યારે આવશે. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન સ્વતંત્ર રાજ્યની રચના અંગે બંને પક્ષોને સ્વીકાર્ય હોય એવી ચર્ચા આંતરરાષ્ટ્રીય કક્ષાએ સકારાત્મક રીતે યોજાય અને એમાં બંને પક્ષોની પ્રમાણિક ઈચ્છા પણ પ્રગટે ત્યારે કોઈ સમાધાનની આશા જાગે. આ ઉપરાંત ૧૯૬૭ પહેલાની જે સ્થિતિ ઉપર સરહદો સુનિશ્ચિત કરવામાં આવી હતી એ મુજબ પૂર્વ જેરૂસલેમને પેલેસ્ટાઇનની રાજધાની અને પશ્ચિમ જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની તરીકે સ્વીકારવા માટે સર્વસંમતિ સધાય તો કંઈક થાય. બંને પક્ષો એકબીજાના અસ્તિત્વને સ્વીકારીને શાંતિ માર્ગે આગળ વધે ત્યારે કંઈક આશાનું કિરણ દેખાય. દાયકાઓથી ચાલતો આવેલો ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેનો સંઘર્ષ એ કોઈ માત્ર રાજકીય સંઘર્ષ નથી પરંતુ એમાં ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક લાગણીઓ પણ ઊંડે સુધી સંકળાયેલી છે. પેલેસ્ટાઇન, ગાઝાપટ્ટી અને ઇઝરાયેલના આ વિવાદોમાં ઇઝરાયેલ માથું ઊંચું કરીને પોતાના દેશના લોકોની મજબુત વિચારધારાથી રાષ્ટ્રનો અદભુત વિકાસ કરીને જગતને અચંબિત કરી દીધું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code