1. Home
  2. ગુજરાતી
  3. જ્યારે પોતાના સમજેલા લોકો પાસે પોતાની અચ્છાઈ સાબિત કરવી પડે એના કરતાં તમે ખરાબ લાગો એ જ મંજૂર હોવું જોઈએ…
જ્યારે પોતાના સમજેલા લોકો પાસે પોતાની અચ્છાઈ સાબિત કરવી પડે એના કરતાં તમે ખરાબ લાગો એ જ મંજૂર હોવું જોઈએ…

જ્યારે પોતાના સમજેલા લોકો પાસે પોતાની અચ્છાઈ સાબિત કરવી પડે એના કરતાં તમે ખરાબ લાગો એ જ મંજૂર હોવું જોઈએ…

0
Social Share
પુલક ત્રિવેદી
પુલક ત્રિવેદી

પ્રત્યેક સંબંધ પ્રેમ અને હુંફ્થી છલોછલ ભરેલો હોવો જોઇએ

સ્વાર્થી અને ખોખલો સંબંધ સમાપ્ત થાય એમાં જ સાચુ સુખ છે

પવન આવે એમ શઢ ફેરવતા, બદલાઈ જતા લોકોથી જીવનમાં ક્યારેય નાસીપાસ થવાની જરૂર નથી. આવા લોકોની માનસિકતા સમજ પડતા વેંત એમને બુદ્ધિપૂર્વક તમારી જિંદગીમાંથી દૂર કરી દેવામાં શાણપણ છે. તકલીફ એ નથી હોતી કે, કોઈએ તમારો સાથ ન આપ્યો અથવા તમને આગળ આવવામાં મદદ ન કરી. તકલીફ તો એ છે કે, બીજા ઉપર એક હદથી વધુ વિશ્વાસ રાખવાની ભૂલ તમે પોતે જ કરી છે. એક ચિંતકે સરસ વાત કરી છે કે, જેણે તમને પોતાના બનાવીને દૂર કરી દીધા છે એનાથી ક્યારેય દુઃખી ન થવું જોઈએ. ખરેખર તો એવા લોકોનો હૃદયથી આભાર માનવો જોઈએ, કારણ કે, એ વ્યક્તિએ તમને સાચો અહેસાસ કરાવ્યો છે કે, જે વ્યક્તિને તમે પોતાની ગણી છે એ વ્યક્તિ કે વસ્તુ તમારી છે જ નહીં.

જીવનની ખુશીનો અનુભવ વ્યક્તિને ત્યારે થાય છે કે, જ્યારે એ મનથી ખુશ હોય છે. એ વાત પણ એટલી જ સત્ય છે, ખુશ રહેવાવાળા લોકો ખુશ એટલે હોય છે કે, એમને મનાવવાવાળા કોઈ નથી. આડા અવળા ઈક્વેશનો દેખાડવાવાળા ન હોય ત્યારે વ્યક્તિ સ્વયં ખુશ રહેવાનો માર્ગ આપોઆપ શોધી લેતો હોય છે. પૈસાથી ખરીદેલી તમામ સવલતોને ત્રાજવે તોળીને વિચારી લેવી જોઇએ કે, પૈસાથી ખરીદેલી એ બધામાંથી મનની શાંતિ કઇ વસ્તુથી મળી છે ? જો કોઈનાથી દૂર થવાનો ડર રોજ સતાવતો હોય તો વિશ્વાસ રાખજો એક દિવસ એ વ્યક્તિ તમને છોડીને જરૂર જતો રહેશે એ બરાબર સમજી લેવાય તો પછી ક્યારેય દુ:ખી થવાનો વારો નહીં આવે.

ક્વિનાઇન ખુબ કડવી હોય એટલે એની ઉપર શુગરનુ ક્વોટ ચડાવી દેવાય છે. આજે થોડી કડવી વાત મીઠા આવરણ સાથે કરવી છે. એક ભાઈ સવારના પહોરમાં અત્યંત ખિન્ન બનીને ડ્રોઈંગરૂમમાં શૂન્ય મનસ્ક બેઠા હતા. એમની પત્નીએ આવીને પૂછ્યુ, ‘કેમ આજે આટલા ચિંતામાં લાગો છો ?’ ત્યારે પેલા ભાઈએ શુષ્ક સ્વરમાં જવાબ આપ્યો, ‘ગઈ કાલે ઓફિસથી રિવ્યુ મિટિંગમાં બોસે એક કામ નિયત સમયમાં પુરું ન થતાં મને જેમ ફાવે એમ બોલતા હતા. મારા સાથીઓને ખબર હતી કે એ કામ આડે અનેક નિયમો અને કંપનીની બીજી વહિવટી હર્ડલ્સના કારણે એ નિર્ધારિત સમયમાં પુરું થઈ શકે એમ હતું જ નહીં. પરંતુ એ વખતે કોઈ મારા પક્ષે કશું જ ન બોલ્યું. આખો દોષનો ટોપલો મારા માથે આવી ગયો.’ પત્નીએ કહ્યું, ‘બધા તો એમ જ વર્તે. એમાં આટલી બધી ચિંતા શું કરો છો ?’ ત્યારે પેલા ભાઈએ કહ્યું, ‘બીજા બધા તો ઠીક પરંતુ મારી ખૂબ નીકટ એવા રોબીને પણ સાચી વાત ન કરી એ મને બહુ લાગી આવે છે.’

આ ભાઈની સાથે બનેલી ઘટના નાના મોટા સ્વરૂપે અવાર-નવાર બધાના જીવનમાં બનતી જ હોય છે. આની પાછળનું મૂળ કારણ બીજા ઉપર રાખેલો વિશ્વાસ અને અપેક્ષા છે. બીજાની અપેક્ષાનો સહારો વ્યક્તિને અંદરથી ખોખલો કરી નાખતો હોય છે. અપેક્ષાઓ કમજોર બનાવે છે. ચાણક્યનીતિ કહે છે, પોતાની આંતરિક શક્તિનો સહારો જ સર્વશ્રેષ્ઠ હોય છે. વ્યક્તિનો સૌથી સારો અને સાચો સાથી વ્યક્તિ પોતે જ હોય છે. એ વાત એટલી જ સાચી છે કે, વિશ્વાસ વિશ્વનો શ્વાસ છે. અન્ય ઉપર વિશ્વાસ રાખવો સારી વાત છે. પરંતુ અરીસામાં દેખાય એના સિવાય બીજા કોઈપણ ઉપરનો વિશ્વાસ અંધવિશ્વાસની સીમા સુધી પહોંચી ન જાય એની સભાનતા પણ એટલી જ જરૂરી છે.

એવા અનેક માર્ગો હોય છે, જ્યાં પગ કરતાં હૃદય વધુ થાકી જતું હોય છે. એક બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની અને ઈશ્વર સિવાય અન્ય કોઈ ઉપર ક્યારેય નિર્ભર નથી રહેતો. જ્યારે કોઈ સાથ ન આપે ત્યારે ખિન્નતા કરતા ક્રોધ વધુ સવાર થઈ જતો હોય છે. ક્રોધની આંધી પસાર થયા પછી જ અંદાજ આવે છે કે, નુકસાન કેટલા મોટા પ્રમાણમાં થઈ ચૂક્યું છે. વ્યક્તિએ મનને મક્કમ કરીને વિચારી લેવું પડે કે સંબંધોની માવજત કરવાની એની એકલાની એક પક્ષીય જવાબદારી ક્યારેય નથી હોતી. સંબંધોનો મહિમા અને એને સાચવવાની-કેર રાખવાની લાગણી બન્ને પક્ષે બરાબર હોય તો જ સંબંધ સુવાસપૂર્ણ બની શકે છે. જે તમારી સાથે છે એ સાથ છોડી દે ત્યારે સાદી સમજ એ છે કે, તમારા સંબંધ કરતાં એને બીજો સ્વાર્થ વધુ અગત્યનો લાગતો હોય છે. પછી એ અન્ય કોઈ સંબંધ હોય કે ભાવિ કારકિર્દીની કોઈ લાલચ કે પેશનનો સ્વાર્થ હોય.

મનની શાંતિ આંખો મીંચીને મંત્રો જપવાથી મળે એના કરતાં સાચી સમજ વિકસાવવાથી વધુ મળતી હોય છે. જે વ્યક્તિ વિચાર કરતો રહે તે હંમેશા વિચારોના વમળમાં ફરતો રહે. પરંતુ જે વ્યક્તિ સાચી સમજપૂર્વક અમલ કરતો હોય છે તેને મનની શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં સાચુ જ કહ્યું છે કે ‘શઠમ્ પ્રતિ શાઠ્યતે’ તમારી સાથે જે પ્રકારનો વ્યવહાર થાય એવો વ્યવહાર કરવામાં આવે તો જ જમાના સાથે કદમ મિલાવી શકાય. વ્યક્તિ ગમે એટલો આગળ વધે પરંતુ જેને તમારી સફળતા કે આગળ વધવાનો કોઇ મહિમા જ નથી એવી વ્યક્તિ અવશ્ય એમાં ખોડખાંપણ કાઢશે જ. એનાથી વ્યથિત થવાની બિલકુલ જરૂર નથી. એક સરસ મઝાના મકાનમાં એક બહેનને કશું જ સારુ ન લાગ્યું એમણે એક તસવીર આડી છે એમ કહીને મકાનનું મૂલ્યાંકન કર્યું. આ કમાલની નફ્ફટ માનસિકતા કહેવાય ?

સો વાતની એક વાત એ છે કે બે-પાંચ મુલાકાતો ઉપર વિશ્વાસ કરીને જીવન બરબાદ ન કરી શકાય. દુનિયાનો દસ્તુર છે કે, સ્વાર્થ ન સાધાય અને જરૂરિયાત ન હોય ત્યારે લોકો વર્ષોના સંબંધો પણ નેવે મૂકી દેતા વિચાર સુદ્ધા નથી કરતા. જ્યારે પોતાના સમજેલા લોકો પાસે પોતાની સચ્ચાઈ અને અચ્છાઈ સાબિત કરવી પડે એના કરતાં તમે ખરાબ લાગો એ જ મંજૂર હોવું જોઈએ. જગતની સૌથી મોટી સચ્ચાઈ એ છે કે, સૌથી વજનદાર સ્વાર્થ છે. જ્યારે સ્વાર્થ નીકળી જાય ત્યારે વજનદાર અને પ્રગાઢ સંબંધ પણ હલકો બની જતો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ સમજવા જ ન માંગતી હોય તો વારંવાર એકની એક વાત સમજાવવાથી ફરક જ ન પડે. કોઈને તમારી વાત માનવી જ ન હોય તો એકની એક વાત વારંવાર કહેવાની જરૂર જ શા માટે ? જેને જવું છે એને જવા જ દો. જો એ આજે રોકાઈ જશે તો કાલે જતો રહેશે. સંબંધોમાં પ્રેમ અને સંભાળ સારી લાગે, સ્વાર્થીપણુ નહીં. મારુ શું અને મને શું જેવી માનસિકતા બીજાની નજરમાંથી ઉતારી નાખે છે. જીવનમાં હસતા શીખી લેવુ પડે, રડતા તો લોકો શીખવી જ દેશે. પ્રત્યેક સંબંધ પ્રેમ અને હુંફ્થી છલોછલ ભરેલો હોવો જોઇએ, ખોખલો સંબંધ સમાપ્ત થાય એમાં જ સાચુ સુખ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code