1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. હીરા ઉદ્યોગમાં છેલ્લા 5 દાયકામાં સૌથી વ્યાપક મંદી, અનેક કારખાનાંને તાળાં
હીરા ઉદ્યોગમાં છેલ્લા 5 દાયકામાં સૌથી વ્યાપક મંદી, અનેક કારખાનાંને તાળાં

હીરા ઉદ્યોગમાં છેલ્લા 5 દાયકામાં સૌથી વ્યાપક મંદી, અનેક કારખાનાંને તાળાં

0
Social Share
  • ગુજરાતમાં હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા,
  • ઘણા કારખાના માત્ર 5 કલાક જ ચલાવાય છે,
  • જે રત્નકલાકારો કામ કરે છે, તેમને સમયસર પગાર પણ અપાતો નથી

અમરેલીઃ ગુજરાતના હીરા ઉદ્યોગમાં હાલ વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે.  હીરા ઉદ્યોગના મહત્વના ગણાતા સુરત શહેરમાં જ હીરાના અનેક કારખાનને તાળા લાગી ગયા છે. ત્યારે ભાવનગર અને અમરેલી સહિત હીરાના અનેક કારખાનાઓ પણ ડચકા ખાઈ રહ્યા છે.  છેલ્લા 5 દાયકામાં આ વખતની મંદી સૌથી કપરી છે. મંદીના મારથી અમરેલીમાં હીરાના 500 કારખાનાંને તાળાં લાગ્યા છે. હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર બન્યા છે. 47 હજાર કારીગરો બેરોજગારીના સકંજામાં ફસાયા છે. કેટલીક જગ્યાએ કારખાના 12 કલાકની જગ્યાએ 6 કલાક ચાલે છે. પહેલાની સરખામણીએ હીરા કારીગરોને પગાર ઓછો અપાય છે.

ગુજરાતમાં હીરા ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો મહત્વનો ઉદ્યોગ છે.  હીરાના કારોબારમાં સુરત મહત્વનું શહેર ગણાય છે. સૌરાષ્ટ્રના અનેક શહેરમાં હીરાના નાના મોટા કારખાના આવેલા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં અનેક કારખાના છે. અમરેલી જિલ્લામાં એક સમયે 1200 કારખાના હતાં. મંદીના માર વચ્ચે હવે 900 કારખાના રહ્યાં છે, જેમાં 50 હજાર જેટલા કારીગરો કામ કરે છે. ત્યારે ફરી એકવાર અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગ પર મંદીના વાદળો મંડરાયા છે. મંદીને કારણે 500 જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે.

દિવાળી પહેલા હીરાના કારખાનાઓમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યુ હતું. અને છેલ્લા ઘણા સમયથી લાભ પાંચમ બાદ પણ કારખાના શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતું દિવાળી બાદ પણ સ્થિતિ બદલાઈ નથી. પરિણામે રત્નકલાકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દિવાળીના તહેવાર બાદ લાઠી, અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા સહિતના તુલાકના 500 જેટલા નાના મોટા હીરાના કારખાનાના ધંધા પર મોટી અસર પડી છે. અહીં ખેતી બાદ લોકો હીરા ઉદ્યોગ પર નભે છે. હાલ રત્ન કલાકારોની રોજગારી પર સવાલ ઉભો થયો છે. જિલ્લાના 47000 કારીગરો કેવી રીતે આવક મેળવશે તે મોટો સવાલ છે. આ કારણે યુવકો પણ ખેતીના માર્ગે વળી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં હીરાના કારખાના છે. અમરેલી જિલ્લામાં પહેલા 1200 જેટલા હીરાના કારખાનાઓ હતા. તેમાંથી હાલ મંદીના કારણે 900 આસપાસ હીરાના કારખાનાઓ છે અને 50000 ઉપરાંત રત્ન કલાકારો કામ કરે છે અને રોજી રોટી મેળવે છે.

સૂત્રોના કહેવા મુજબ ડી-બીયર્સ દ્વારા રફ હીરાના ભાવમાં 15 ટકા જેટલો ઘટાડો કરાયો છે. હીરા ઉદ્યોગની ભયંકર મંદીમાં આ નિર્ણય આશાનું કિરણ છે. સસ્તા લેબગ્રોન ડાયમંડની વધેલી માંગની અસર બાદ સુરત અને મુંબઇના ઉદ્યોગકારોમાં આ જાહેરાતથી રાહતની લાગણી અનુભવાઈ. આ નિર્ણયથી અન્ય માઇનિંગ કંપની અને સપ્લાયરો પર પણ ભાવ ઘટાડાવા દબાણ વધશે. વિશ્વની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને બેઠી કરવા ડી-બિયર્સનું સરાહનીય પગલું છે. તૈયાર હીરાના ભાવો સતત તૂટતાં રફ પણ સસ્તી થાય તેવી માંગ હતી આથી આવનારા મહિનાઓમાં મંદીમાં ઘટાડો થશે એવી હીરા ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code