વડોદરા, 10 જુલાઈ 2026 : Woman riding an Activa dies after being hit by a tempo નેશનલ હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર દશરથ ગામ ખાતે GSFC યુનિવર્સિટીના ગેટ સામે આવેલા બ્રિજ પર સવારે એક્ટિવાચાલક મહિલાને આઇશર ટેમ્પોએ અડફેટે લેતાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને સ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેર નજીક આવેલા દશરથ ગામ ખાતે GSFC યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વાર સામે આવેલા નેશનલ હાઈવે પરના બ્રિજ પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. છાણી વિસ્તારની પ્રિત બંગલો સોસાયટીમાં રહેતા 58 વર્ષીય હેમાબેન પરેશભાઈ પંડ્યા રોજની જેમ એક્ટિવા પર રણોલી ખાતે આવેલા ટાટા મોટર્સ ખાતે નોકરી પર જવા નીકળી હતી. આ દરમિયાન બ્રિજ પરથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા આઇશર ટેમ્પોના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને હેમાબેનની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે હેમાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ કરુણ મોત થયું હતું.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાને પગલે થોડા સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં છાણી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો તેમજ અકસ્માત સર્જનાર આઇશર ટેમ્પોના ચાલકની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હેમાબેન પંડ્યાના અચાનક મોતથી તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. છાણીની પ્રિત બંગલો સોસાયટીમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાએ ફરી એકવાર ભારે વાહનોની બેદરકારીભરી ડ્રાઇવિંગ અને માર્ગ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.


