
- એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ એક દૂકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી,
- દબાણ તોડવાના વિરોધમાં વેપારીના પત્નીએ આત્મવિલોપન કર્યું હતું,
- મહિલા ગંભીરરીતે દાઝી જતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી
અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં ગયા ગુરૂવારે સવારે મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ એક ગેરકાયદે ગણાતી દૂકાનને તોડવા માટે ગઈ હતી. ત્યારે દુકાનદાર વેપારી અને તેની પત્ની વિરોધ કર્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. દુકાનદાર અને મ્યુનિની ટીમ વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ત્યારે દૂકાનદાર વેપારીના પત્નીએ મ્યુનિ.ટીમ સામે આત્મવિલોપનનો પ્રયાસ કરતા મહિલા ગંભીરરીતે દાઝી ગઈ હતી. મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટવ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શનિવારે મોત નિપજ્યું હતુ. આ બનાવથી મ્યુનિના તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ બનાવની વિગતો એવી છે કે, ગઈ તા.14મી ઓગસ્ટને ગુરૂવારના રોજ શહેરના જશોદાનગર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ડિમોલિશન માટે પહોંચી હતી ત્યારે એક વેપારીની પત્નીએ ડિમોલિશનનો વિરોધ કર્યો હતો. આજીજી કરવા છતાં મ્યુનિ ટીન ન માનતા દૂકાનદારની પત્નીએ કેરોસિન છાંટી સળગી જવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક લોકો મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા સળગી ગયા બાદ તેને બચાવવા ગયેલા અન્ય લોકો પણ દાઝ્યા હતા.આ બનાવની ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. દરમિયાન 80 ટકાથી વધુ દાઝી ગયેલી મહિલા નર્મદાબેન કુમાવતને સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં 3 દિવસની સારવાર બાદ મોત નિપજ્યુ હતુ.
આ ઘટના બની ત્યારે સ્થાનિક વેપારીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમે ભાજપને મત આપીને કોંગ્રેસના ગઢને ભાજપનો ગઢ બનાવ્યો છે. ત્યારે વેપારીઓને ડિમોલિશનના નામે હેરાન કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ બે-બે લાખ રૂપિયા માગે છે. અમે. ખુલ્લેઆમ અમે કહીએ છીએ કે અધિકારીઓએ અમારી પાસેથી લાંચ લીધી છે. બે-બે વખત પૈસા લઈ ગયા પછી પણ મ્યુનિની ટીમ દૂકાન તોડવા માટે આવી હતી,વેપારી એસોસિયેશન વેપારીની સાથે છે અને જ્યાં સુધી વેપારીને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરાશે