
• ફાયરબ્રિગેડે ત્વરિત કામગીરી કરી 36 મોપેડ બચાવી લીધા
• શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન
• એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી
સુરતઃ શહેરમાં ઠંડીની મોસમમાં પણ આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં મોપેડના શો રૂમમાં આગનો વધુ એક બનાવ બન્યો હતો. ચાર્જિંગમાં મૂકેલી બેટરી ઓવર ચાર્જ થઈ જતા ચાર્જરમાં શોર્ટસર્કિટ થતા આગ લાગી હતી. સરથાણા, કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનના લાશ્કરોએ એક કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં શો રૂમમાં રખાયેલા 9 મોપેડ બળીને ખાક થયા હતા, જ્યારે ફાયર વિભાગે 36 મોપેડ બચાવી લીધા હતા.
સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં રામરાજ્ય સોસાયટીમાં આવેલા એક ઈ મોપેડના શોરૂમમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગના બનાવની જાણ થતાં જ શહેરના ત્રણ ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં 9 ઈ મોપેડ બળી ગયા હતા જ્યારે 36 જેટલા મોપેડ ફાયરબ્રિગેડે આગની લપેટમાં આવતા બચાવી લીધા હતા. મોડી રાત્રે બનેલા આગના આ બનાવમાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
શહેરના નાના વરાછા રામરાજ્ય સોસાયટી ખાતે આવેલા ભવ્ય ઓટો એન્ડ ઓટોપાર્ટ્સ નામના શોરૂમમાં મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા સરથાણા, કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે એક કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગની આ ઘટનામાં 9 જેટલી ઈ મોપેડ બળી ગઈ હતી.
જ્યારે 36 જેટલી ઈ મોપેડને ફાયરબ્રિગેડની ટીમે આગની લપેટમાં આવતા બચાવી લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું હતું કે બેટરી ચાર્જ કરવાના ચાર્જર પાસે આગ લાગી હોવાથી બેટરી ઓવર ચાર્જ થવાથી શોર્ટસર્કિટ થયા બાદ આગ લાગી હોવાની શક્યતા છે.