- એક કાર માલિકે 1111 નંબર માટે 23 લાખ આપ્યા ,
- લોકોમાં પસંદગીનો નંબર મેળવવા માટે વધતો જતો ક્રેઝ,
- આરટીઓને ઓક્શનથી થતી લાખો રૂપિયાની આવક
અમદાવાદઃ લોકોમાં પોતાના નવા વાહનોમાં પસંદગીનો નંબર મેળવવાનો અનેરો ક્રેઝ જોવા મળતો હોય છે. અને કેટલાક લોકો પોતાને શુકનિયાળ માનતા વાહનોના નંબર મેળવવા માટે લાખો રૂપિયા પણ ખર્ચ કરતા હોય છે. અમદાવાદ આરટીઓમાં સપ્ટેમ્બર મહિનામાં પસંદગીના નંબર માટેની હરાજીમાં એક ટુ-વ્હીલર જેની કિંમત 1 લાખ રૂપિયા હતી. જેનો પસંદગીનો આરટીઓ નંબર મેળવવા માટે 1.05 લાખ હરાજીમાં ઉપજ્યા હતા. વાહનની કિંમત કરતા નંબર પ્લેટની કિંમત વધારે હતી. અમદાવાદના આરટીઓના કહેવા મુજબ લોકોમાં પસંદગીનો નંબર મેળવવાના ક્રેઝથી વાહનની કિંમત કરતા પણ વધુ કિંમત આપે છે. ટુ-વ્હીલરના નંબર GJ-1- 1 માટે રૂ. 1.05 લાખની બોલી બોલાઈ હતી. આ ઉપરાંત કારમાં 1111 નંબરની હરાજી 23.24 લાખમાં, 1 નંબર 9.03 લાખમાં વેચાયા હતા. 9999 નંબર 2023માં 8.93 લાખમાં વેચાયો હતો પરંતુ આ વખતે તેના માટે 5.11 લાખની બોલી બોલાઈ હતી. ગયા વર્ષે 7777 નંબર 5.25 લાખમાં જ્યારે આ વર્ષે 2.75 લાખમાં વેચાયો હતો.
અમદાવાદના આરટીઓના સૂત્રોના જણાવ્યા મુજબ સેપ્ટમ્બરમાં ટુ-વ્હીલર માટેનો 1 નંબર 1.05 લાખમાં હરાજીમા વેચાયો હતો. જ્યારે 7 નંબર 56 હજાર, 9 નંબર 32 હજાર, 111 નંબર 17 હજાર, 17 નંબર 9 હજારમા અને અન્ય નંબર 2 હજારમાં વેચાયા હતા. હરાજીમાં ગોલ્ડન નંબરની બેઝ પ્રાઈઝ 8 હજાર, સિલ્વર નંબર પ્લેટની બેઝ પ્રાઈઝ 3500 અને અન્ય નંબર પ્લેટ માટેની બેઝ પ્રાઈઝ 2 હજાર રાખવામાં આવી હતી. પસંદગીના નંબર પ્લેટની હરાજીમાં કુલ 823 અરજીઓ આવી હતી તેમાંથી 755 અરજદારોએ હરાજીમાં નંબર મેળવ્યો હતો. જ્યારે હરાજીમાં ભાગ લેનારા 68 અરજદારોને પસંદગી પ્રમાણેનો નંબર મળ્યો હતો. જે લોકોને પસંદગીનો નંબર મળ્યો નથી તેઓ ફરી ભાગ લેશે.