
- શ્રમિકોને ગોઢ મહિનાથી મજુરીના પૈસા ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું
- રાજ્યમાં કેટલાક સ્થળોએ મનરેગાના કામો અટક્યા
- તંત્ર ‘ગ્રાન્ટ નથી આવી’ની કેસેટ વગાડવામાં વ્યસ્ત
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મનરેગા યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. રાજ્યના ઘણબધા ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામો ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનાથી મનરેગાના મજૂરોને વેતન મળ્યુ ન હોવાની ફરિયાદો ઊઠી છે. દોઢ-બે મહિનાથી વેતન ન મળતા શ્રમિકોની હાલત કફોડી બની છે ઘણા શ્રમિકોએ કામ મૂકી દીધુ છે પરિણામે મનરેગાના કામો બંધ થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ઘણબધા ગ્રામ્ય વિસ્તારમાં મરેગાના કામો ચાલી રહ્યા છે. શ્રમિકો કામ કરીને રોજગારી મેળવી રહ્યા છે. શ્રમદાન કરતા મજૂરોને છેલ્લા દોઢ-બે મહિનાથી વેતન ચૂકવાયું નથી.પેટનો ખાડો પુરવા માટે જમીનમાં ખાડા ખોદયા પણ તેનું વેતન મળ્યું નથી જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા માટે ઘણા શ્રમિકો કામ મૂકીને અન્ય જગ્યાએ મજૂરી કામે લાગી ગયા છે કારણકે સવાલ પાપી પેટનો છે પણ સરકારને જાણે શ્રમિકોની પરવાહ ન હોય તેમ આ બાબતે કોઈ ગતિવિધિ હાથ ધરવામાં આવી નથી.
સૂત્રોના કહેવા મુજબ મનરેગા યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં મજૂરને તેના કામ પ્રમાણે મહત્તમ રૂ.280 વેતન ચૂકવવાનું હોય છે. કચ્છમાં અંદાજે 2500 મળી રાજ્યમાં દોઢ લાખ મજુરો મનરેગા હેઠળ દૈનિક કામ કરવા માટે નોંધાયેલા છે. છેલ્લા બે મહીનાથી શ્રમિકોને વેતન ચૂકવવામાં આવ્યું નથી. મજુરો વેતન માંગે છે તો ગ્રાન્ટ નથી તેવો જવાબ આપવામાં આવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજનાનું સંચાલન કરવામાં આવે છે પણ તમામ જવાબદારો ગ્રાન્ટ નથી આવી તેવી કેસેટ વગાડી રહ્યા છે પણ નાના વર્ગના મજુરોના પેટની વેદના કોઈ સાંભળતું નથી.સંવેદનશીલ સરકારમાં સંવેદના ક્યારે આવશે તે સવાલ મજુરો પૂછી રહ્યા છે.
મનરેગા હેઠળ એક શ્રમિક પરિવારને 100 દિવસની રોજગારી આપવાની જોગવાઇ છે.નોંધાયેલા શ્રમિકોના પખવાડિયાના મસ્ટર બને અને હાજરી પ્રમાણે તેઓને પખવાડિયા પછી દામ ચૂકવાતા હોય છે. પખવાડિયુ કામ કર્યા પછી તાલુકા કચેરી દ્વારા પ્રોસેસ કરી વિગતો મોકલવામાં આવે છે.કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેકટ સ્ટેટના ખાતામાં વેતનની ગ્રાન્ટ જમા કરાવવામાં આવે છે અને સ્ટેટમાથી ડાયરેકટ લાભાર્થી શ્રમિકના ખાતામાં વેતન જમા કરાવાય છે પણ છેલ્લા બે મહિનાથી સ્ટેટમાં ગ્રાન્ટ આવી નથી જેના કારણે મજૂરોને વેતન ન ચૂકવાતા હાલત કફોડી બની ગઈ છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, મનરેગાના કામો ગ્રામ્ય વિસ્તારમાં થાય છે અને શ્રમિકો ગામના હોય છે તેઓ ગામમાં સરપંચને ઓળખે એટલે વેતન ન મળતા સરપંચના ઘરે પહોંચી જાય છે અને સરપંચો સંબધિત તંત્રનું ધ્યાન દોરે છે પણ જવાબ એક જ આવે છે, ગ્રાન્ટ નથી..રોજનું કમાઈ રોજ ખાનારા શ્રમિકો આ જવાબ સાંભળી હતાશ થઈ જાય છે. (File photo)