
- લોખંડના પંચ અને કડાથી હુલો કરતા વિદ્યાર્થી લોહી લૂહાણ,
- વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો,
- વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલા બોલાચાલી થઈ હતી
ભૂજઃ શહેરની વી ડી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય 10 જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ (લોખંડનું સાધન) અને કડાથી હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલા થયેલી બોલાચાલી બાદ આ માથાકૂટ થઈ હોવાનું કહેવાય છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, ભૂજમાં આવેલી વી.ડી.હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 11માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈ ઝઘડો થયો હતો. દરમિયાન શાળામાં રિસેસના સમયે વિદ્યાર્થીઓ બહાર હતા ત્યારે ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના અન્ય મિત્રો સાથે મળી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર પંચ અને કડાથી હુમલો કરતા વિદ્યાર્થીને માથામાં લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનાની જાણ થતા શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
આ અંગે વી.ડી. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બ્રિજેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આ ઘટના શાળાના રજા પડ્યા બાદ સ્કૂલની બહાર બની હતી. અગાઉની કોઈ વાતનું મન દુઃખ રાખી બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ બન્ને છાત્રોએ એકબીજાના મિત્રોને બોલાવી લેતા બબાલ થઈ હતી. આ બનાવમાં એક પક્ષના વિદ્યાર્થીને માથાના ભાગે ઇજા પહોંચતા તેને શાળા ખાતે લાવી પ્રાથમિક સારવાર અપાઈ હતી અને યોગ્ય સારવાર માટે તેના વાલી કોઈ હોસ્પિટલમાં લઇ ગયા છે. બનાવ બાદ બંને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી આ બાબતે ગંભીર તાકીદ કરવામાં આવી છે.
ભુજમાં વી.ડી.હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 11માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના ઉપરાંત ગાંધીધામમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. ગાંધીધામના શીવાજી પાર્ક પાછળ આવેલી એક સ્કૂલ પાસે વિદ્યાર્થીઓ એકઠા થઈ સામસામે મારામારી કરી રહ્યા હોવાનું વીડિયોમાં વાયરલ થયો હતો.