સુરત, 7 સપ્ટેમ્બર, 2026 : શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી સામે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે શહેરની સચિન પોલીસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સચિન દૂરદર્શન ટાવરથી વાંઝ તરફ જતા રોડ પર આવેલા રામાધણી ટી-સ્ટોલ નજીકથી ત્રણ શંકાસ્પદ શખસોની અટકાયત કરીને તેની તલાશી લેતાં તેમની પાસેથી 1,40,400ની કિંમતનું 7.02 ગ્રામ ‘બ્રાઉન સુગર’ મળી આવ્યું હતું. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઓડિશાના વતની એવા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સચિન પોલીસના કહેવા મુજબ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સચિન દૂરદર્શન ટાવરથી વાંઝ તરફ જતા રોડ પર આવેલા રામાધણી ટી-સ્ટોલ નજીકથી શંકાસ્પદ જણાતા ત્રણ યુવાનોને રોકીને પૂછતાછ ત્રણેય યુવાનો ગભરાઈ ગયા હતા. તેથી તેમની તલાશી લેતા તેમની પાસેથી 1,40,400ની કિંમતનું 7.02 ગ્રામ ‘બ્રાઉન સુગર’ મળી આવ્યું હતું પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં 22 વર્ષીય કરણ મનોજકુમાર સ્વાંઈ (રહે. ઉમિયાનગર, ગુ.હા.બોર્ડ, કનકપુર-કનસાડ, સચિન, સુરત; મૂળ ગંજામ, ઓડિશા), 19 વર્ષીય ચંદ્રશેખર પદ્મનાભ પંચાનન મહારાણા (રહે. દ્વારગામ, ગંજામ, ઓડિશા) અને 21 વર્ષીય જીબાન જ્યોતી ઉર્ફે વિક્કી અજયકુમાર શાહુ (રહે. ઠાકુર પટના, કેન્દ્રપાડા, ઓડિશા)નો સમાવેશ થાય છે. કરણ સચિન વિસ્તારમાં ભાડે રહી નોકરી કરતો હતો, જ્યારે અન્ય બે યુવાનો ટ્રેન મારફતે આ પ્રતિબંધિત જથ્થો લઈને સુરત પહોંચ્યા હતા અને કરણને ડિલિવરી આપવા ઊભા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એવી વિગત જાણવા મળી છે કે, સચિનમાં રહેતા કરણ સ્વાંઈએ ઓડિશામાં રહેતા મુખ્ય સપ્લાયર ચીનમય શેટ્ટી પાસેથી આ બ્રાઉન સુગર મંગાવ્યું હતું. ચીનમય શેટ્ટીએ ચંદ્રશેખર અને જીબાન જ્યોતીને સુરત જઈને કરણને માલ સોંપવા સૂચના આપી હતી. બંને આરોપીઓ રેલવે માર્ગે માદક દ્રવ્યોનો જથ્થો છુપાવીને સુરત સ્ટેશને ઉતર્યા બાદ સચિન પહોંચ્યા હતા, જ્યાં ડિલિવરી થાય તે પહેલાં જ સચિન પોલીસે ત્રણેયને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલો 21 વર્ષીય જીબાન જ્યોતી ઉર્ફે વિક્કી આઈટીઆઈ (ITI)નો અભ્યાસ કરી રહ્યો છે. બંને કેરિયર યુવાનો આર્થિક જરૂરિયાત અને ઝડપી પૈસા કમાવવાની લાલચમાં ફસાયા હતા. મુખ્ય સૂત્રધાર ચીનમય શેટ્ટીએ તેમને માત્ર સુરત સુધી માલ પહોંચાડવા બદલ ₹10,000થી ₹15,000ના રોકડ કમિશનની લાલચ આપી હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ફરાર મુખ્ય સૂત્રધાર ચીનમય શેટ્ટીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ તેજ કરી છે.


