
- આદિપુર નજીક નર્મદા કેનાલમાં નહાવા પડતા બે પિતરાઈ ભાઈ ડુબી ગયા,
- ગોંડલના નાના મહિકા ગામે કૂવામાં પડતા બે બાળકોના મોત,
અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડૂબી જવાના બે બનાવોમાં બે બાળકો સહિત ચારના મોત નિપજ્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં કચ્છના ગાંધીધામના આદિપુર નજીક આવેલી નર્મદા કેનાલમાં નાહવા ગયેલા 2 પિતરાઈ ભાઈના મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બંને પિતરાઈ ભાઈ સાઈકલ લઈને કેનાલમાં નાહવા માટે ગયા હતા. જ્યાં 17 વર્ષીય ફરહાન અને 14 વર્ષના અમનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. એકસાથે બંને ભાઈના મોતથી પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે ડુબી જવાના બીજા બનાવમાં ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં પડતાં 4 વર્ષીય રીતિક અને 2 વર્ષીય અશ્વીન નામના બે સગાભાઈના મોત થયા હતા. આ બનાવથી પરપ્રાંતિય ખેત શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ હતી.
ડુબી જવાના પ્રથમ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, કચ્છના અંજારમાં ભક્તિનગરમાં રહેતા ફરાન સિકંદર હુસેન સાકી (ઉંમર વર્ષ 17) અને અમન અબાસ હુસેન સાકી (ઉંમર વર્ષ 14) બંને પિતરાઈ ભાઈ આદિપુર નજીક આવેલી કેનાલમાં સાઈકલ લઈને નાહવા ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી. ઘટનાસ્થળેથી સાઈકલ પણ મળી હતી. બંને ભાઈઓ ડૂબી જવાના સમાચારથી પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હતું. કેનાલમાં બાળકો ડૂબ્યા હોવાની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકો પણ એકત્ર થઈ ગયા હતા. ગાંધીધામ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી. સ્વાતંત્ર પર્વના દિવસે જ બે પિતરાઈ ભાઈના મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
ડૂબી જવાની બીજા બનાવની વિગતો એવી છે કે, ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે પરપ્રાંતિય બાળકોના મોત નિપજ્યા હતા. નાના મહિકા ગામે ધીરૂભાઈ પોપટભાઈ વિરડીયાની વાડીએ મજૂરી કરવા આવેલા પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઊંડા કૂવામાં પડતાં મોત નિપજ્યા હતા. મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી ત્રણ મહિના પહેલાં મજૂરી કરવા આવેલા પરિવારના બે બાળકો અકસ્માતનો ભોગ બન્યો છે. મૃતક બાળકો 4 વર્ષીય રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ અને 2 વર્ષીય અશ્વીન ધર્મેન્દ્રભાઈ જાદવ બંન્ને સગા ભાઈઓ છે. બન્ને સગાભાઈઓ રમતાં રમતાં અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.
#Saurashtra #Kutch #GujaratNews #TragicIncident #WaterSafety #ChildSafety #KutchTragedy #CanalDrowning #WellAccident #ChildhoodSafety #FamilyTragedy #IndianNews