
- નાળાના પ્રોટેક્શન વોલનું કામ ચાલતું હતું ત્યારે ડમ્પરે પલટી ખાધી
- વોલનું કામ કરી રહેલી ત્રણ શ્રમિક મહિલા અને એક બાળક દટાયા
- રેતીમાં દટાયેલા ચારેય મૃતદેહ બહાર કઢાયા
પાલનપુરઃ થરાદ તાલુકાના ખેગારપુરા ગામ તરફ જતા રોડ પર નાળાની પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શ્રમિકો વોલના પાયાની કામગીરીકરી રહ્યા હતા. તે દરમિયાન એક રેતી ભરેલુ ડમ્પર પૂર ઝડપે નાળા નજીક આવતા તેના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર પલટી ગયું હતું. તેથી રેતી અને માટીના ઢગલામાં ત્રણ શ્રમિક મહિલાઓ અને એક બાળક દબાયા હતા. આ બનાવથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. શ્રમિક મહિલાઓ માટીમાં દટાઈ ગયા હોવાથી તુરંત જેસીબી મશીનથી પલટી ખાધેલા ડમ્પરને હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી પરંતુ કામગીરીમાં વિલંબ થતાં માટીના ઢગલામાં દટાઈ ગયેલા ત્રણ શ્રમિક મહિલા અને એક બાળક સહિત ચારના મોત નીપજ્યા હતા. તમામ મૃતકો દાહોદના ઝાલોદ ગામના હતા. શનિવારે સાંજે બનેલી આ ઘટનામાં એક કલાક બચાવ અને રેસ્ક્યૂ કામ ચાલ્યું પણ મહિલા મજૂરો અને બાળકને બચાવી ન શકાયા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, થરાદથી 30 કિલોમીટર દૂર ખેગારપુરા ગામમાં છેલ્લા દસ દિવસથી રોડની બાજુમાં નાળાંની કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન જ રેતી ભરેલું ડમ્પરે અચાનક પલટી ખાધી હતી. રેતી અને માટીમાં શ્રમિક મહિલાઓ અમે બાળક દટાતા અન્ય શ્રમિકોએ દોડધામ કરી મુકી હતી. શ્રમિકો બચાવ કામગીરી માટે ગામમાં દોડી ગયા હતા. ત્યાંથી જેસીબી લાવવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ સાથે થરાદ ડીવાયએસપી, પીઆઇ સહિત પોલીસ પણ પહોંચી ગઈ હતી. માટી નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પણ એક કલાક જેટલો સમય થઈ જવાથી ચારેના મોત નિપજ્યા હતા. ડ્રાઇવર પ્રવીણભાઈ જયમલ ભાઈ વણકર રહે ગામ પાવડાસણ તા.થરાદ અકસ્માત બાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે શનિવારે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ ખેગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલું હતું. ત્યા શ્રમિકો રોડની દીવાલ બનાવવા માટે માટી કાઢવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ત્યાથી રેતી ભરેલું હાઈવા ડમ્પર નીકળેલું. ત્યા વળાક પર ટ્રક વાળાએ ધ્યાન આપેલું નહીં, ત્યાથી નીકળવા જેટલી જગ્યા ન હતી છતા તેમણે ત્યાથી ડમ્પર બેદરકારી પૂર્વક કાઢવા જતા ડમ્પર પલટી મારી ગયું. અને રેતી ભરેલા હાઈવા નીચે 3 સ્ત્રીઓ અને એક બાળક દબાઈ જતા તેમના મોત થયા છે. આ ઘટનામાં જેની બેદરકારી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.