
- એકાવન શક્તિપીઠોના એક જ સ્થાને દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા
- શ્રદ્ધાળુઓ અઢી થી ત્રણ કલાકમાં પરિક્રમા સંપન્ન કરી શકશે
- મંત્રી બળવંતસિંહ રાજપુતે ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદઘાટન કર્યું
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આજથી ત્રણ દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. મંત્રી બળવંતસિંહ રાજપૂતે માતાજીની આરતી કરી ધ્વજારોહણ સાથે મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આજથી 11 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાથમાં ધજાઓ લઈને ઉમટી પડ્યા છે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ-નગારા વગાડી નૃત્ય કર્યાં હતા.
યાત્રાધામ અંબાજીમાં દર વર્ષની જેમ આ વર્ષે આજથી ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવનો મંત્રી બળવંતસિંહ રાજપુતે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠનાં દર્શનનો લાભ મળશે. વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૂકેલી આ પહેલ હેઠળ દેશ-વિદેશના ભક્તો માટે અંબાજી ખાતે 51 શક્તિપીઠોના દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ છેલ્લા બે વર્ષથી સરકારે 500થી વધુ બસો મુકી તેમજ નિ:શુલ્ક ભોજન સહિતની અદભૂત વ્યવસ્થાનું આયોજન કર્યું છે.
આજથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2025’નો પ્રારંભ થયો છે. આ વર્ષે મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડશે. ત્યારે, આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને સુરક્ષા વ્યવસ્થા સચવાય એ પ્રકારની તમામ તૈયારીઓ અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 750થી વધુ પોલીસ કર્મચારી અને 400થી વધુ સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવી છે. ગબ્બર તલેટી ખાતે યોજાનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટવાની ધારણા છે.