
- ગુજરાત વિધાનસભામાં પાણી પુરવઠા મંત્રીએ કરી જાહેરાત,
- વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈનો લાભ મળશે,
- સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂરી
ગાંધીનગરઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, મુળી અને સાયલા વિસ્તાર આજથી 25-20 વર્ષ પહેલા સુકો ભઠ્ઠ હતો. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મા નર્મદાના વધારાના વહી જતા નીરને ‘સૌની યોજના’ થકી સૌરાષ્ટ્રને આપવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ‘જે બોલે છે તે કરે છે’ તે મંત્રને ચરિતાર્થ કરતા સુરેન્દ્રનગરના વઢવાણ, મુળી તથા સાયલા તાલુકાના 38 ગામોને સૌની યોજના થકી સિંચાઈનો લાભ આપવામાં આવશે, આ માટેની ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. આ સિવાય હળવદના 11 ગામોને પણ આ યોજના હેઠળ પાણી આપવા માટે રૂ. 41 કરોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે,આમ કુલ 49 ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.
મંત્રી કુંવરજીભાઈએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ સિવાય સૌની યોજના હેઠળ વઢવાણ, મૂળી અને ધ્રાંગધ્રા વિસ્તારમાં રૂ. 293 કરોડના કામો મંજૂર કરીને તેના વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. ઉપરાંત વધુમાં આ વિસ્તારના 44 ગામોને સૌની યોજના હેઠળ પાણી મળી રહે તે માટે અગાઉ શરૂ કરાયેલી રૂ. 265 કરોડની યોજના અંતિમ તબક્કામાં છે જેના પરિણામે અંદાજે 2707 હેક્ટર વિસ્તારને પિયતનો લાભ મળશે તેમ, મંત્રીએ ગૃહમાં વિગતો આપતાં ઉમેર્યું હતું.