સુરત, 10 મે 2026: 5 people rescued after fire breaks out in Rameshwar Complex શહેરમાં કાળઝાળ ગરમીમાં આકસ્મિક આગ લાગવાના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે વધુ એક આગનો બનાવ કતારગામમાં આવેલા રામેશ્વર કોમ્પ્લેક્સમાં બન્યો હતો. શહેરના ગીચ વસ્તી ધરાવતા કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે આવેલા એક રહેણાંક કોમ્પ્લેક્સમાં વીજળી મીટર પેટીમાં લાગેલી આગને કારણે પાંચ લોકો ફસાતા તમામને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ બચાવી લીધા હતા. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના કતારગામની કંટેશ્વર સોસાયટીમાં આવેલા રામેશ્વર કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી મુખ્ય ઇલેક્ટ્રિક મીટર પેટીમાંથી તણખલા ઝર્યા બાદ પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં મીટર પેટીમાં રહેલા વાયરો અને પ્લાસ્ટિકની બોડી બળવા લાગતા કાળા મેશ જેવા ઝેરી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગનો ધુમાડો ચીમનીની જેમ સીધો જ ઉપરના માળ તરફ જતી સીડીઓમાં ભરાઈ ગયો હતો. આ ધુમાડો એટલો ઘટ્ટ અને ઝેરી હતો કે બીજા અને ત્રીજા માળે રહેતા લોકો માટે ઘરની બહાર નીકળવું અશક્ય બની ગયું હતું. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારા અને ધુમાડાને કારણે લોકો ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. બિલ્ડિંગના બીજા અને ત્રીજા માળે રહેતા રહિશોએ જ્યારે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો ત્યારે સીડીઓ પાસે માત્ર કાળો ધુમાડો જ દેખાતો હતો. લોકો બારીઓ પાસે આવીને મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ તરત જ આ અંગે સુરત ફાયર વિભાગને જાણ કરી હતી.
આ બનાવની જાણ થતા સુરત ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ધોરણે અલગ-અલગ ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર અધિકારીઓની આગેવાની હેઠળ જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. એક તરફ જવાનોએ આગ બુઝાવવાની કામગીરી કરી, તો બીજી તરફ ઓક્સિજન સિલિન્ડર પહેરીને જવાનો ધુમાડા વચ્ચે બીજા અને ત્રીજા માળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિમાં બિલ્ડિંગમાં ફસાયેલા કુલ 5 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જેમાં કિરણબેન મહેતા (42 વર્ષ), વિરાંગના પટેલ (15 વર્ષ), હાર્દિકભાઈ ત્રિવેદી (18 વર્ષ), ઘનશ્યામ રંગપરિયા (35 વર્ષ) અને પપ્પુભાઈ (24 વર્ષ) તેમને સુરક્ષિત રીતે સીડી મારફતે નીચે લાવવામાં આવ્યા હતા.


