સુરેન્દ્રનગર, 26 ફેબ્રુઆરી 2026: શહેરમાં ઘણાબધા પ્રોપર્ટીધારકો મ્યુનિને ઘરવેરો ચુકવતા નથી. સમયાંતરે નોટિસ આપવા છતાંયે પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આવતો નથી. પહેલા સુરેન્દ્રનગર, વઢવાણ અલગ અલગ નગરપાલિકા હતી, એટલે વેરા વસુલાતમાં પુરતું ધ્યાન અપાયું નહતું. પણ હવે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનતા પ્રોપર્ટી ટેક્સની વસુલાત કડક બનાવવામાં આવી છે. શહેરમાં ૧૨૦ કરોડનો બાકી વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકાએ વેરો ન ભરનાર ૫૦ આસામીઓની મિલ્કત સીલ કરી છે. તેમજ ૨,૨૦૦ બાકીદારોને નોટિસ ફટકારી છે. જોકે, વેરો નહીં ભરનારમાં સરકારી કચેરીઓ પણ સામેલ છે. ૪૫૦થી વધુ સરકારી કચેરીએ પણ વેરો ભર્યો નથી. વેરો નહીં ભરનાર મિલકતના પાણીના કનેક્શન સુદ્ધા કાપી નાખવાની મનપાએ ચીમકી ઉચારી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બાકી લેણાં વસૂલવા માટે ‘એક્શન મોડ’ માં આવી ગઈ છે. શહેરના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં અંદાજે રૂપિયા. ૧૨૦ કરોડ જેટલી મોટી રકમનો મિલકત વેરો બાકી હોવાથી તંત્ર દ્વારા કડક હાથે વસૂલાત શરૂ કરવામાં આવી છે. મ્યુનિના ટેક્સ વિભાગે અત્યાર સુધીમાં ૨,૨૦૦ જેટલા એકમોને નોટિસ ફટકારી છે અને પ્રથમ તબક્કામાં ૫૦ જેટલા એકમોને સીલ કરવાની કામગીરી હાથ ધરતા વેપારીઓ અને રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૨૨ જેટલી ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ બાકી લેણાંમાં ૪૫૦થી વધુ સરકારી કચેરીઓનો પણ સમાવેશ થાય છે. જો માર્ચના અંત સુધીમાં વેરો નહીં ભરાય, તો મિલકત સીલ કરવા ઉપરાંત પીવાના પાણીના કનેક્શન કાપી નાખવા અને અન્ય સરકારી સુવિધાઓ બંધ કરવા જેવી આકરી કાર્યવાહી કરવામાં આવશે.


