1. Home
  2. ગુજરાતી
  3. ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, નરેન્દ્ર મોદીએ શોક કર્યો વ્યક્ત
ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, નરેન્દ્ર મોદીએ શોક કર્યો વ્યક્ત

ફિલિપાઇન્સમાં 6.9ની તીવ્રતાના ભૂકંપથી ભારે તબાહી, નરેન્દ્ર મોદીએ શોક કર્યો વ્યક્ત

0
Social Share

નવી દિલ્હીઃ ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે મોડી રાત્રે સેબુ ટાપુના દરિયાકાંઠે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ છે અને તેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી. બુધવાર સવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 69 થયો છે, જ્યારે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ છે અને વીજળી પુરવઠો ખોરવાયો છે. ફિલિપાઇન્સના પ્રાદેશિક સિવિલ ડિફેન્સ અધિકારી જેન અબાપોએ જણાવ્યું હતું કે આ આંકડો સ્થાનિક ડિઝાસ્ટર એજન્સીના ડેટા પર આધારિત છે અને મૃત્યુની સત્તાવાર પુષ્ટિ ચાલી રહી છે. અધિકારીઓના મતે, આ ભૂકંપ છેલ્લા એક દાયકામાં દેશમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ પૈકીનો એક છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયાનક ભૂકંપમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, “ફિલિપાઇન્સમાં આવેલા ભૂકંપથી જાનમાલના નુકસાનના સમાચારથી ખૂબ દુઃખ થયું છે. મારી સંવેદનાઓ પીડિત પરિવારોની સાથે છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત આ કપરા સમયમાં ફિલિપાઇન્સની સાથે ઊભું છે.”

ભૂકંપને પગલે લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. બુગો સિટીની હોસ્પિટલમાં ઘાયલોની સંખ્યા વધતાં પરિસ્થિતિ વણસી હતી, જેના કારણે તટરક્ષક દળોએ તાત્કાલિક ડોકટરો અને નર્સોની ટીમને મોકલી હતી. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવ કામગીરીમાં ઝડપ લાવવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, “અમે નુકસાન અને જરૂરિયાતોનું આકલન કરી રહ્યા છીએ, રાહત કાર્યોમાં તેજી લાવવામાં આવશે.”

ફિલિપાઇન્સના ભૂકંપ વિજ્ઞાન સંસ્થા (Phivolcs) એ માહિતી આપી છે કે અત્યાર સુધીમાં લગભગ 800 આફ્ટરશોક્સ નોંધાયા છે, જેમાંથી સૌથી શક્તિશાળીની તીવ્રતા 6 રહી હતી. જોકે, સુનામીનો કોઈ ખતરો નથી. આ ભૂકંપના કારણે 100 વર્ષ જૂનું એક ચર્ચ પણ ધરાશાયી થયું હતું. સેબુ ટાપુ, જે ફિલિપાઇન્સનું મુખ્ય પર્યટન સ્થળ છે અને આશરે 34 લાખ લોકોનું ઘર છે, તે સૌથી વધુ પ્રભાવિત થયું છે. જોકે, દેશનું બીજા ક્રમનું સૌથી વ્યસ્ત મકટાન-સેબુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત રહ્યું છે.ફિલિપાઇન્સ “રિંગ ઓફ ફાયર” ક્ષેત્રમાં આવેલું હોવાથી ત્યાં જ્વાળામુખી અને ભૂકંપ વારંવાર આવતા રહે છે. હાલમાં સરકાર અને રાહત એજન્સીઓ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસોમાં ઝડપ લાવી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code