- રંગારંગ કાર્યક્રમો, લેસર અને સાઉન્ડ શો યોજાશે
- કાંકરિયા કાર્નિવેલ માટે મ્યુનિ. દ્વારા 6 કરોડનો ખર્ચ કરાશે
- જાણીતા કલાકારો દ્વારા ડાયરાના કાર્યક્રમો પણ યોજાશે
અમદાવાદઃ શહેરના કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે 25થી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવેલનું ભવ્ય આયોજન કરાયુ છે. કાર્નિવેલના ત્રણ અલગ અલગ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ઉપરાંત લેસર અને સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાંકરિયા કાર્નિવેલનો પ્રારંભ કરાવશે.
શહેરના કાંકરિયા લેક ખાતે કાંકરિયા કાર્નિવલનો 25 ડિસેમ્બરથી પ્રારંભ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવેલ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલમાં ડ્રોન શો, પેટ ફેશન શો, જગલર શો, લાઈટ એન્ડ સાઉન્ટ શો અને દુબઈમાં યોજાતો પાયરો શો (આગ સાથે ડાન્સ) થશે. ઉપરાંત રાજ્યના ખ્યાતનામ કલાકારોના ડાયરા જેવા કાર્યક્રમો યોજાશે. તેમજ રોજ સવારે મેડીટેશન અને બપોરે યોગા ઝુમ્બા થશે. આ ઉપરાંત ફુડ કોમ્પિટીશન, નેલ આટર્સ કોમ્પિટીશન, મહેંદી કોમ્પિટીશન તથા નાના બાળકો માટે લેખન સહીતની વિવિધ સ્પર્ધા યોજાશે.કાર્નિવલમાં વિના મૂલ્યે લોકોને પ્રવેશ અપાશે.આ ઉપરાંત ડ્રોન શો, મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બાળકો દ્વારા યોગ અને પીરામીડ નિર્દેશન, વંદે માતરમ ઉપર નૃત્ય પ્રસ્તુતિ સહિતના અન્ય આકર્ષણ પણ રાખવામા આવ્યા છે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ સાત દિવસના આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતી ગાયક-કલાકારો દ્વારા લોક ડાયરા રજુ કરાશે. જેમાં 25 ડિસેમ્બરે કિર્તીદાન ગઢી અને પ્રિયંકા બાસુ એન્ડ ઓરકેસ્ટ્રા, 26 ડિસેમ્બરે સંકેત ખંડેર બેન્ડ, 27 ડિસેમ્બરે પાર્થ ઓઝા અને શિવાની દેસાઈ, 28 ડિસેમ્બરે ગીતાબેન રબારી અને નિરજ ગજ્જર તથા અક્ષય તમયચે અને મિતાલી નાગ લાઈવ કોન્સર્ટ કરશે. જ્યારે 29 ડિસેમ્બરે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી સ્ટેન્ડ અપ કોમેડી લવારી શો, 30 ડિસેમ્બરે બ્રીજદાન ગઢવી અને 31 ડિસેમ્બરે ઇશાની દવે મ્યુઝિક પર્ફોર્મન્સ કરશે. કાંકરિયા કાર્નિવલમાં તમામ લોકોને વહેલી સવારે 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.
તા. 26 ડિસેમ્બરથી ત્રણ અલગ અલગ સ્ટેજ પર સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. સવારે અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બપોરે મહિલાઓ અને બાળકો માટે પણ અલગ અલગ સેશન અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


