1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત
ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત

ગુજરાતમાં ગત રાતે હાઈવે પર જુદા જુદા 4 અકસ્માતના બનાવમાં 9નાં મોત

0
Social Share
  • બગસરા તાલુકાના હડાળા ગામ નજીક કાર પલટી જતા ત્રણના મોત
  • માળિયા-પીપળીયા હાઈવે પર ડમ્પરની અડફેટે ચાર પદયાત્રીઓના મોત
  • વડોદરામાં બાઈક સ્લીપ થતાં સગીરનું અને વિસનગરમાં ટ્રક-એક્ટિવા અકસ્માતમાં મહિલાનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ગત રાતે એટલે કે મંગળવારની રાતે અકસ્માતોના ચાર બનાવોમાં 9ના મોત નિપજ્યા છે. પ્રથમ અકસ્માતનો બનાવ બગસરાના હડાળા ગામ નજીક સર્જાયો હતો. જેમાં કાર પલટી જતા ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં માળિયા-પીપળિયા નેશનલ હાઈવે પર દ્વારકા જઈ રહેલા પગપાળા સંઘને ડમ્પરે અડફેટે લેતા ચાર પદયાત્રીઓના મોત નિપજ્યા હતા. ત્રીજા અકસ્માતના બનાવમાં વડોદરામાં સમા તળાવ વિસ્તારમાં પૂરફાટ ઝડપે બાઈક સ્લીપ થતાં બાઈકચાલક સગીરનું મોત નિપજ્યુ હતું. જ્યારે ચોથા અકસ્માતના બનાવમાં વિસનગરના કાંસા ગામે એક્ટિવા પર જઈ રહેલા દંપત્તીને ટ્રકે અડફેટે લેતા એક્ટિવાસવાર મહિલાનું મોત નિપજ્યું હતું.

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હડાળા ગામ નજીક ગત રાત્રિએ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, GJ 11 CL 8531 નંબરની કારમાં ચાર લોકો સવાર હતા. રાત્રિના સમયે કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતા કાર રોડ પરથી પલટી ખાઈને ઢસડાઈને નજીકના ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારનો કૂચડો બોલી ગયો હતો.ઘટનાની જાણ થતા બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતમાં મૃતકો કારમાં ફસાયા હોવાથી ફાયર વિભાગની ટીમે મશીનરીનો ઉપયોગ કરીને કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતકોમાં જૂનાગઢના ડ્રાઈવર વિકાસ, ધોરાજી તાલુકાના જાલણસર ગામના મંથન અને ધર્મેશ સાવલિયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય કુટુંબીક પરિવારજનો હતા અને રાત્રે જૂનાગઢ પોતાના ઘરે પરત ફરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બગસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.  માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે ડમ્પરે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 4 પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ પદયાત્રીઓ બનાસકાંઠાના કાંકરેજ અને દિયોદર તાલુકાથી સંઘ કાઢી પગપાળા દ્વારકા જઈ રહ્યા હતા પૂરપાટ ઝડપે કોઈ ડમ્પર ચાલકે પાંચ પદયાત્રીઓને અડફેટે લીધા હતા.

ત્રીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના સમા તળાવ પાસે ભારત પેટ્રોલ પંપ પહેલાં મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સગીર હિતેન્દ્ર પિતાની બાઈક લઈને બહાર નીકળ્યો હતો અને સમા તળાવ પાસે જતાં પૂરપાટ ઝડપે અને બેદરકારી પૂર્વક વાહન ચલાવતાં બાઇક સ્લિપ થઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ગંભીર ઇજાઓને લઈ માથાના ભાગેથી લોહી વહી જતા ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ચોથો અકસ્માતનો બનાવ વિસનગર તાલુકાના કાંસા ગામે સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે એક્ટિવાને પાછળથી ટક્કર મારતા એક્ટિવા પર સવાર મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે તેમના પતિને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાના કમકમાટીભર્યા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code