- નર્મદા ડેમના 9 દરવાજા ખોલીને પાણી છોડાયું
 - નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા તાકીદ કરાઈ
 - ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી
 
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરો-નગરોમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. એટલું જ નહીં નદીઓમાં બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેથી વહીવટી તંત્ર દ્વારા નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.
રાજ્યમાં મેઘમહેરને પગલે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે ડેમની સપાટી રૂલ લેવલને પાર પહોંચી છે. તો બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધતા 9 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યુ છે. હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 135.03 મીટર એ સ્થિર છે. નર્મદા નદી બે કાંઠે વહી રહી હોવાથી નર્મદા, ભરૂચ અને વડોદરાના નર્મદા નદી કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન આજે સવારથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
#GujaratRains #NarmadaDam #WaterRelease #FreshWaterInflow #Reservoirs #HeavyRainfall #GujaratWeather #MonsoonSeason #IndiaWeather #FloodAlert #WaterLogging #Rainfall
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

