1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રૂપાલમાં વરદાયિની માતાજીની તા. 30મીને મંગળવારે રાત્રે 12 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે
રૂપાલમાં વરદાયિની માતાજીની તા. 30મીને મંગળવારે રાત્રે 12 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે

રૂપાલમાં વરદાયિની માતાજીની તા. 30મીને મંગળવારે રાત્રે 12 વાગ્યે પલ્લી યાત્રા નીકળશે

0
Social Share
  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા અર્ચના બાદ તૈયારીઓની સમીક્ષા કરી,
  • પલ્લીમાં હજારો ટન ઘીનો અભિષેક થશે,
  • પલ્લી રૂપાલ ગામના 27 ચકલાઓમાંથી પસાર થઈને વહેલી સવારે મંદિરે પરત ફરશે,

ગાંધીનગરઃ  જિલ્લાના રૂપાલ ગામમાં સ્થિત સુપ્રસિદ્ધ વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષેની જેમ આ વર્ષે નવરાત્રિના નોમના દિવસે પરંપરાગત પલ્લી યાત્રા નીકળશે.  પરમ દિવસે એટલે કે, તા. 30 સપ્ટેમ્બરના રોજ નોમના દિવસે મધરાતે 12 વાગ્યે આ ભવ્ય પલ્લી યાત્રા નીકળશે. જેમાં હજારો ટન ઘીનો અભિષેક થશે. પલ્લી યાત્રા માટે તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વરદાયિની માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી પલ્લી યાત્રાની તડામાર તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ગાંધીનગરના રૂપાલ ગામે આવેલુ વરદાયિની માતાનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં જાણીતું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પૌરાણિક કથા મુજબ વરદાયિની માતાને પાંડવોના સમયકાળથી પૂજવામાં આવે છે. માન્યતા છે કે વનવાસ દરમિયાન પાંડવોએ અહીં માતાજીની પૂજા કરી હતી અને માતાજીએ તેમને વરદાન આપ્યા હતા, જેના કારણે તેઓ કૌરવો સામે વિજય મેળવી શક્યા હતા. આજ કારણથી માતાજીને ‘વરદાયિની’ તરીકે ઓળખવામાં આવે છે.  નવરાત્રિના નોમના દિવસે યોજાતી પલ્લી એ વરદાયિની માતાના આશીર્વાદનું પ્રતીક છે. આ પલ્લીને ગામના 27 ચકલાઓમાં ફેરવવામાં આવે છે અને ભક્તો શ્રદ્ધાપૂર્વક ઘીનો અભિષેક કરીને પોતાની માનતા પૂરી કરે છે. આ વર્ષે પણ 30 સપ્ટેમ્બર નોમનો દિવસના રોજ રાત્રે 12 વાગ્યે ભવ્ય પલ્લી યાત્રા શરૂ થશે. આ પલ્લી રૂપાલ ગામના 27 ચકલાઓમાંથી પસાર થઈને વહેલી સવારે મંદિરે પરત ફરશે.

આ પલ્લી યાત્રાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે, શ્રદ્ધાળુઓ પોતાની માનતા પ્રમાણે હજારો ટન ઘીનો અભિષેક પલ્લી પર કરશે. અહીં પલ્લી પર ચઢાવાતું ઘી બગડતું નથી. ચોક્કસ સમાજના લોકો આ ઘીને એકઠું કરીને લઈ જાય છે. આ પલ્લી યાત્રામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ ધર્મ અને સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાય છે અને સેવા આપે છે. અહીં દૂર-દૂરથી આવતા માઈભક્તોના દર્શન અને સુરક્ષા માટે મહિનાઓ અગાઉથી તૈયારીઓ શરૂ થઈ જાય છે. હવામાનની પરિસ્થિતિ અને વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને દર્શનાર્થીઓ માટે ડોમ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

વરદાયિની માતાના અને પલ્લી યાત્રામાં જ્યોતના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવશે. ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વરદાયિની માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી પલ્લી યાત્રાની તડામાર તૈયારીઓની સમીક્ષા કરી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code