1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ
સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ

સુરતના ઘોડદોડ રોડ પર G-3 શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 16 લોકોનું રેસ્ક્યુ કરાયુ

0
Social Share
  • G-3 શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ગત મોડી રાતે લાગેલી આગ ઉપરના માળે પ્રસરી,
  • કાપડની ઓફિસમાં કામ કરતા 16 કર્મચારીઓને બચાવાયા,
  • ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

સુરતઃ  શહેરના ઘોડોદોડ રોડ પર આવેલા G-3 શોપિંગ સેન્ટરમાં ગત મોડી રાતે આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગ જોતજોતામાં ઉપરના માળે પ્રસરી જતા કાપડની ઓનલાઈન શોપિંગની એક દૂકાનમાં ફસાયેલા 16 કર્મચારીઓને ફાયર બ્રિગેડના જવાનોએ સમયસર રેસ્ક્યૂ કરી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલા G -3 શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્લસ ચાર માળ છે. આ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં લાગેલી આગ ઉપના માળે પ્રસરી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ જાણવા મળ્યુ નથી. પણ કહેવાય છે કે, ગ્રાઉન્ડ ફ્લોર પરના પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ) અને વાયરિંગમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ કરતાં પણ વધુ ચિંતાનો વિષય ભારે ધૂમાડો હતો, જે ઝડપથી શોપિંગ સેન્ટરના ઉપરના ફ્લોર તરફ પ્રસરી ગયો હતો. ધૂમાડાને કારણે ગૂંગળામણ થતાં ઓનલાઇન કાપડની ઓફિસમાં કામ કરતા 16 જેટલા લોકો ઉપરના માળે ફસાયા હતા. આ જોખમી પરિસ્થિતિમાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ સુરતના માન દરવાજા, મજુરા અને વેસુ ફાયર સ્ટેશન સહિત પાંચ ફાયર સ્ટેશનનીની કુલ 10 જેટલી ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના જવાનોએ સમયસૂચકતા વાપરી, સુરક્ષા કવચ (Safety Gear) પહેરીને ઓપરેશન હાથ ધર્યું હતું. એક તરફ ધૂમાડાથી ફસાયેલા લોકોને ટર્ન ટેબલ લેડર સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી, તો બીજી તરફ જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. સઘન પ્રયાસોના અંતે, ફાયર વિભાગના જવાનોને આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, સમયસર થયેલા રેસ્ક્યૂ અને ફાયર ફાઇટિંગને કારણે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. પોલીસે હવે આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. હાઈ વિભાગને આગ પર કાબૂ મેળવતા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code