1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં સ્ટેટ જીએસટીએ સર્ચ દરમિયાન 560 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડ્યુ
જામનગરમાં સ્ટેટ જીએસટીએ સર્ચ દરમિયાન 560 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડ્યુ

જામનગરમાં સ્ટેટ જીએસટીએ સર્ચ દરમિયાન 560 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ પકડ્યુ

0
Social Share
  • બોગસ બિંલિંગનું કૌભાંડ આચરી 112 કરોડની કરચોરી કરવામાં આવી હતી,
  • SGSTના અધિકારીઓએ જામનગરમાં 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા,
  • નકલી ટેક્સપેયર ફર્મો ખોટા ઇન્વોઇસ બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેઇમ કરતા હતા,

જામનગરઃ શહેરમાં થોડા દિવસ પહેલા સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ પેઢીના 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાની ‘બ્રહ્મ એસોસિયેટ્સ’ના ઓફિસ અને તેના નિવાસસ્થાન પર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી. સ્ટેટ જીએસટીના અધિકારીઓના સર્ચ દરમિયાન 560 કરોડના બોગસ બિંલિંગનું કૌભાંડ આચરી 112 કરોડની કરચોરી કરવામાં આવી હોવાના પૂરાવા હાથ લાગ્યા હતા. કૌભાંડના કેન્દ્રમાં રહેલા સીએ અલ્કેશ પેઢડિયા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે તપાસ દરમિયાન હજુ પણ ઘણા ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના અધિકારીઓ જોઈ રહ્યા છે.

આ બનાવની વિગત એવી છે કે,  સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ બાતમીના આધારે તપાસ અને રિસર્ચ કર્યા બાદ ગઈ તા. 3 ઓક્ટોબરના રોજ જામનગરમાં 25 પ્રિમાઇસિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડિયાની ‘બ્રહ્મ એસોસિયેટ્સ’ના ઓફિસ અને તેના નિવાસસ્થાન પર દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક્ટ, 2017ની જોગવાઈઓ અનુસાર રાજ્યભરની GST ઓફિસોમાંથી 27 ટીમો દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 14 નકલી ટેક્સપેયર ફર્મો (બોગસ કંપનીઓ) દ્વારા ખોટા ઇન્વોઇસ બનાવી અને માલની હકીકત વિના ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) ક્લેઇમ કરાતા હોવાનું સામે આવ્યું હતું. અનેક ફર્મોમાં મૂળ ટેક્સપેયરના GST નંબરોનો દુરૂપયોગ પણ થયો હોવાનો પણ પર્દાફાશ થયો હતો.

સ્ટેટ જીએસટીના દરોડા સમયે ડિપાર્ટમેન્ટ દ્વારા સુરક્ષા અને તટસ્થ તપાસ થાય તે માટે પોલીસને સાથે રાખવામાં આવી હતી. પોલીસે તેની ઓફિસમાંથી દસ્તાવેજો, કમ્પ્યુટરો અને ડિજિટલ ઉપકરણો કબજે કર્યા હતા, જેમાં ખોટા બિલિંગ અને નાણાંકીય હેરાફેરીના પુરાવા મળ્યા છે. પ્રાથમિક તપાસમાં અનેક બેંક એકાઉન્ટ મારફતે નાણાંની હેરાફેરી અને હવાલા વ્યવહારોના પુરાવા મળ્યા છે. તપાસ હેઠળની ઘણી કંપનીઓએ વિભાગના તારણોનો સ્વિકાર કર્યો છે અને વ્યાજ અને દંડ સાથેની તેમની કર જવાબદારીઓ ચુકવવાની જવાબદારી સ્વીકારી હોવાનું કહેવાય છે. ડિપાર્ટમેન્ટ દ્વારા 4.62 કરોડનું ખોટું ITC બ્લોક કરવામાં આવ્યું છે, 1 કરોડથી વધુની રકમ ધરાવતા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને 36 કરોડના મૂવેબલ તથા ઇમૂવેબલ એસેટ્સ પ્રોવિઝનલી અટેચ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આશરે 33 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી સ્વૈચ્છિક રીતે ચૂકવવા કેટલાક ટેક્સપેયરો આગળ આવ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code