
પાટણમાં દિવાળીના તહેવારોને લીધે દેવડાનો સ્ટોક ખૂટી જતા નવા ઓર્ડર લેવાનું બંધ કરાયું
- પાટણના દેવડાની મીઠાઈની માગ સૌથી વધુ રહેતી હોય છે,
- પાટણના દેવડાની ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ માગ,
- દેવડા એ સૌના ખિસ્સાને પરવડે એવી સોફટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે
પાટણઃ ગુજરાતના કેટલાક શહેરોમાં કેટલીક વસ્તુઓ પ્રચલિત હોય છે, જેમાં પાટણ શહેરના પટોળાની જેમ પાટણના દેવડાની મીઠાંઈ પણ જાણીતી છે. ત્યારે દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે પાટણની ઓળખ સમા પ્રખ્યાત દેવડાની એટલી બધી માગ વધી ગઇ છે કે કેટલાક વેપારીઓએ ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે. વેપારીઓનું કહેવું છે કે અત્યારસુધીમાં એડવાન્સમાં લીધેલા ઓર્ડર પણ માંડ પૂરા થઇ શકે એમ છે.
પાટણના દેવડાની ગુજરાત સહિત અન્ય રાજ્યો અને વિદેશમાં પણ માગ છે. પાટણવાસીઓ માને છે કે દેવડા વિના દીપાવલી અધૂરી છે. પાટણમાં મળતા દેવડા ખાસ કરીને કેસર, ચોકલેટ, બદામ-પિસ્તાં અને બટરસ્કોચ ફલેવરના મળે છે. દેવડા શુદ્ધ ઘી અને વનસ્પતિ ઘીમાંથી બનાવવામાં આવે છે. દેવડાએ સૌના ખિસ્સાને પરવડે એવી સોફટ અને સ્વાદિષ્ટ મીઠાઈ છે, જે મેંદાના લોટ અને શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામા આવે છે, જેમાં પ્રમાણસર ખાંડનું પડ ચઢાવીને મીઠાશ ઉમેરાય છે. ઉપર સૂકામેવાની કતરણ દ્વારા સજાવટ કરાય છે. દેવડા સૂકી મીઠાઈની જેમ ઝડપથી બગડી જતી નથી. વળી, દૂધ અને માવામાંથી બનતી મીઠાઈ કરતાં ઓછું ગળપણ અને ઓછું કોલેસ્ટેરોલ ધરાવતી હોઈ સ્વસ્થ્ય માટે સાનુકૂળ યોગ્ય મીઠાઈ છે.
પાટણ શહેરમાં દેવડા બનાવતી દુકાન બહાર તો બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે કે દેવડાનો ઓર્ડર લેવામાં આવતો નથી. એક સ્વીટ માર્ટના સંચાલકે જણાવ્યુ હતું કે, અમારી દુકાનમાં 500થી વધુ કિલો દેવડાનો ઓર્ડર એડવાન્સ નોંધાયો છે. દેવડા બનાવવાની પ્રોસેસ મેન્યુઅલી છે, જેથી દેવડા બનાવવામાં પહોંચી ના વળવાના કારણે બોર્ડ લગાવ્યું છે.